છેલ્લા કેટલાક સમયથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં સંત રામભદ્રાચાર્ય મંચ પરથી એક નાના બાળકને નીચે ઉતારી દે છે. જ્યારે આ છોકરો કીર્તન કરી રહ્યો હોય છે અને ભગવાનનો જયકારો લગાવી રહ્યો હોય છે. આ છોકરાનું નામ છે અભિનવ અરોરા, જે સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળે છે અને તેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ટ્રોલ પણ કરવામાં આવે છે. રામભદ્રાચાર્યએ બાળ સંત અભિનવ અરોરાને પોતાના એક વીડિયોમાં ‘મૂર્ખ બાળક’ કહ્યો છે.
રામભદ્રાચાર્યએ બાળકો દ્વારા પ્રવચન આપવાને ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યું. તેમણે અભિનવ અરોરાને લઇને કહ્યું કે, તે તો મૂર્ખ છે. તે કહે છે કે કૃષ્ણ તેની સાથે ભણતા હતા. શું ભગવાન તેની સાથે ભણશે? મેં તો વૃંદાવનમાં પણ તેને ખૂબ ફટકાર લગાવી હતી.
કોણ છે અભિનવ અરોરા?
અભિનવ અરોરાની છબી એક બાળ સંતની છે. તે મોટા ભાગે ભગવાન પ્રત્યે પોતાની ભક્તિના વીડિયો સોશિયલ મીડિયા પર નાખે છે. તેની ઓળખ એક યુટ્યુબર, ઇન્ફ્લૂએન્સર અને ભક્તની છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે અને તેની વાતો ધ્યાનથી સાંભળે છે. અભિનવ તમામ પ્રકારની આધ્યાત્મિક યાત્રાઓ કરે છે અને ભક્તિમાં મગન થઇને ડાન્સ કરતો પણ નજરે પડે છે. તે ભગવાન કૃષ્ણ અને રાધાનો અનન્ય ભક્ત હોવાનો દાવો કરે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અભિનવ અરોરા માત્ર 10 વર્ષનો છે. તે એક આધ્યાત્મિક વક્તા પણ છે અને યુટ્યુબ પર તેના તમામ વીડિયોઝ પણ છે. મોટા મોટા લોકો અભિનવને ખૂબ ફોલો કરે છે અને તેમની સાથે તસવીરો પણ ખેચાવે છે. અભિનવ અરોરા પોતાની આધ્યાત્મિક યાત્રાના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે અને લોકો તેને જોવાનું પસંદ કરે છે. આ દરમિયાન એક યુટ્યુબ ચેનલ ‘અનોલી દેસી’એ અભિનવની નિંદા કરતા વીડિયો બનાવ્યા, જેમાં આ ચેનલે આરોપ લગાવ્યો કે અભિનવના વક્તવ્ય તેના પિતાથી પ્રેરિત છે.
આ ચેનલે અભિનવની આધ્યાત્મિક યાત્રા પર પણ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ યુટ્યુબ પર તમામ ચેનલોએ અભિનવની નિંદા કરવાની શરૂ કરી દીધી અને અભિનવને ટ્રોલ કરવા લાગ્યા. આ મામલો હજુ પૂરી રીતે શાંત થયો નહોતો કે સંત રામભદ્રાચાર્યએ પણ અભિનવને પોતાના મંચ પરથી નીચે ઉતારી દીધો. ત્યારબાદ અભિનવ ટ્રોલર્સના નિશાના પર આવી ગયો.