તસ્કરોએ અમદાવાદમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ કાર્યાલયનું તાળું તોડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. AAP દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, મહત્ત્વના દસ્તાવેજો ચોરાયા હોવાની આશંકા છે. જો કે, આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. શું-શું ચોરી થયું છે તેની જાણકારી સાથે AAP પોલીસમાં ફરિયાદ નોંધાવશે, તેવું કહેવામાં આવી રહ્યું છે. AAP તરફથી કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજકીય પાર્ટીની ઓફિસ પણ સુરક્ષિત નથી.
દિવાળી વેકેશન હોવાથી મોટા ભાગના કર્મચારીઓ રજા પર છે. એવામાં કાર્યાલયની દેખરેખ કરતો કર્મચારી બપોરે ઓફિસને તાળું મારીને પોતાના સંબંધીના ઘરે ગયો હતો. સાંજે 7:00 વાગ્યે કાર્યાલય પર પોછો ફર્યો ત્યારે પાર્ટી કાર્યાલયના મુખ્ય દ્વારનું તાળું તૂટેલું હતું. ત્યારબાદ કર્મચારીએ પાર્ટીના અન્ય પદાઘિકારીઓને જાણકારી આપતા તેઓ કાર્યલય પર દોડી આવ્યા હતા અને 100 નંબર ફોન કરીને પોલીસને માહિતી આપી હતી.
AAP તરફથી કહેવામાં આવ્યું છે કે, અત્યારે કાર્યાલયમાંથી શું ચોરાયું છે તેની તપાસ કરી રહ્યા છીએ. પરંતુ એક વિપક્ષી પાર્ટીના કાર્યાલયમાં ચોર પૈસાની લાલચે તો આવ્યા જ ન હોય. અમને આશંકા છે કે, પાર્ટીના મહત્ત્વના દસ્તાવેજો અને ડેટા ચોરીના હેતુથી ચોરી કરવામાં આવી છે. ગત રાત્રે પોલીસ કાર્યાલય પર પ્રાથમિક તપાસ કરી ગઇ છે. આજે વિગતો સાથે પાર્ટી દ્વારા FIR નોંધવા માટે ફરિયાદ કરવામાં આવશે. AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ચેમ્બરમાંથી અગત્યના ડોક્યૂમેન્ટ ચોરી થયા હોવાની આશંકા છે.
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સામાન્ય માણસનું ઘર તો ઠીક, પણ AAPનું કાર્યાલય પણ સુરક્ષિત નથી. ગઇ કાલે AAPના પ્રદેશ કાર્યાલયમાંથી મને ફોન આવ્યો હતો. કાર્યાલયની ટીમ રજા પર હતી, ત્યારે અચાનક જ તાળું તોડી AAPના કાર્યાલયમાંથી ચોરી થઇ છે. ખૂબ જ ગંભીર બાબત છે. AAPના કાર્યાલયમાં એવું તો કંઇ નહીં હોય. સ્વાભાવિક છે કે રોકડ રકમ કે સોનું ન હોય તો ચોરીની ભાવના શું હશે? પરંતુ જે રીતે મને માહિતી મળી છે એ પ્રમાણે કાર્યાલયનો બહારનો દરવાજો બંધ હતો તે તોડવામાં આવ્યો છે, અંદર ઓફિસનો દરવાજો તોડવામાં આવ્યો છે, તેની ઉપર કોન્ફરન્સ રૂમ અને મારી ચેમ્બરમાં જ્યાંથી બહારથી દરવાજો લોક હતો તેને તોડીને LED TV અને મહત્ત્વના દસ્તાવેજ ચોરી થવાની આશંકા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સ્ટ્રેટેજીના ડોક્યૂમેન્ટ, ભવિષ્યના યોજના હશે, તેના ડોક્યૂમેન્ટ્સ, અમે જે સ્ટ્રેટેજી બનાવવાના હોઇશું તેના ડોક્યૂમેન્ટ્સ હશે. એ સિવાય કાર્યાલયમાં શું હોય? આ ચોરી થઇ છે એ ખૂબ ગંભીર મામલો છે. હું હજું કાર્યાલય પર પહોંચ્યો નથી પરંતુ જે રીતે જાણકારી મળી છે એ મુજબ LED TV મારી ચેમ્બરમાંથી ગયું છે. સાથે-સાથે કેટલાંક ડોક્યૂમેન્ટ પણ ગયા છે. તેમાં મહત્ત્વના ડોક્યૂમેન્ટ્સ હોવાની સંભાવના છે. એ ખૂબ જ ગંભીર મામલો છે. આ ગુજરાતમાં કોઇ સુરક્ષિત નથી. ભાજપ સરકાર ક્યાં લઇ જશે એ કોઇને ખબર નથી. તમે વિચાર કરો, કાર્યાલય અને તેમાં રહેલા ડોક્યૂમેન્ટ સુરક્ષિત ન હોય તો પછી શું હોય. તાત્કાલિક મુખ્યમંત્રીએ બેઠક બોલાવીને ગંભીર બાબતમાં ચોરી થઇ રહી છે એ મામલે કાર્યવાહી કરવી જોઇએ.