શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 1400 પોઈન્ટ્સ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 450 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. પરંતુ બજાર બંધ થયું ત્યાં સુધીમાં સેન્સેક્સ 941 પોઈન્ટ ઘટીને 78,782.24 પર હતો. જ્યારે નિફ્ટી50 309 પોઈન્ટ ઘટીને 23,995.35 પર બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 450 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.
BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 6 શેર વધ્યા હતા, બાકીના 24 શેર ઘટયા હતા. ABI, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, HCL, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેરમાં 2 ટકા સુધીનો વધારો થયો હતો. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ, સન ફાર્મા, NTPC અને ટાટા મોટર્સના શેરમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
માર્કેટમાં મોટા ઘટાડા સાથે BSE માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE માર્કેટ કેપ ગઈકાલની સરખામણીમાં રૂ. 6.08 લાખ કરોડ ઘટીને રૂ. 442 લાખ કરોડે પહોંચી ગયું છે. એટલે કે બજારના 6 કલાક દરમિયાન રોકાણકારોના વેલ્યુએશનમાં રૂ. 6 લાખ કરોડનો ઘટાડો થયો છે.
આજે શેરબજાર કેમ ઘટ્યું? : અમેરિકામાં 5 નવેમ્બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરમિયાન, રોકાણકારો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ગળાકાપ હરીફાઈની આર્થિક અસરોને લઈને ચિંતિત છે. જેના કારણે બજારમાં વેચવાલી જોવા મળી રહી છે.
ફેડરલ રિઝર્વની બેઠક 7 નવેમ્બરે છે. આવી સ્થિતિમાં US ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પણ ભારતીય બજારમાં આશંકા વધારી રહી છે.
OPEC+ દ્વારા રવિવારે એવી જાહેરાત કરી કે, તે નબળી માંગ અને સમૂહની બહાર વધતા પુરવઠાને કારણે આયોજિત ડિસેમ્બરમાં ઉત્પાદનમાં વધારાની યોજનાને એક મહિના સુધી મુલતવી રાખશે. આવી જાહેરાત કર્યાના કારણે તેલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે RIL જેવા શેર ઝડપથી ઘટ્યા છે.
બીજા ક્વાર્ટરમાં ઘણી કંપનીઓના પરિણામો ખરાબ રહ્યા છે, જેણે રોકાણકારોનો મૂડ બગાડ્યો છે. આવી સ્થિતિમાં વેચવાલી જોવા મળી રહી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC, ઇન્ફોસિસ, સન ફાર્મા, ભારતી એરટેલ અને ICICI બેન્ક જેવા હેવીવેઇટ શેરોમાં તીવ્ર ઘટાડાએ બજારનો મૂડ બદલી નાખ્યો.
આ 10 શેર સૌથી વધુ ઘટ્યા: આજે, PRUDENTના શેર 17 ટકાથી વધુ ઘટીને રૂ. 2959 પર આવી ગયા છે. પોલી મેડિક્યોરનો શેર 9 ટકા ઘટીને રૂ. 2876.70 પર હતો. હાર્ડવિન ઈન્ડિયા લિમિટેડનો શેર પણ લગભગ 9 ટકા ઘટીને રૂ. 36.84 પર હતો. RVNLના શેરમાં 5 ટકા, ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સનો શેર પણ 5 ટકા ઘટ્યો હતો. અદાણી પોર્ટ 3.27 ટકા ઘટીને રૂ.1349 બંધ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.77 ટકા ઘટીને રૂ.1302 પર બંધ થયો હતો. સન ફાર્માનો શેર 2.68 ટકા, NTPC 2.59 ટકા અને ટાટા મોટર્સનો 2.36 ટકા ઘટ્યો હતો.
નોંધ: તમે કોઈપણ શેરમાં તમારું નાણાકીય રોકાણ કરતા પહેલા, ચોક્કસપણે તમારા નિષ્ણાંત સલાહકારની મદદ આવશ્ય લો.