fbpx

દુનિયાની સૌથી મોંઘી જેલ, જ્યાં 1 કેદી પર વર્ષે ખર્ચાય છે 94 કરોડ રૂપિયા

Spread the love

દુનિયાની સૌથી મોંઘી જેલનું નામ ગ્વાંતાનમો બે જેલ છે. કેદીઓ પર અત્યાચાર માટે કુખ્યાત રહેલી ક્યૂબાની આ જેલ ગ્વાંતાનમોની ખાડીમાં સ્થિત છે. તેને કારણે જ આ જેલનું નામ ગ્વાંતાનમો બે જેલ રાખવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ જેલમાં હાલ 40 કેદીઓ છે અને દરેક કેદી પર વાર્ષિક આશરે 94 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ જેલમાં આશરે 1800 સૈનિક તહેનાત છે. આ જેલમાં એક કેદી પર નજર રાખવા માટે આશરે 45 સૈનિકોની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે આ સૈનિકો પર દર વર્ષે 540 મિલિયન ડૉલર (આશરે 3900 કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવે છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે, આખરે આ જેલમાં કેદીઓને એવી કઈ સુરક્ષા આપવામાં આવે છે, જેના પર આટલો બધો ખર્ચો કરવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે, દુનિયાની આ સૌથી મોંઘી જેલમાં માત્ર એ જ અપરાધીઓને રાખવામાં આવે છે, જે ખૂબ જ ખતરનાક હોય.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ જેલમાં કુલ 3 ઈમારતો, 2 ગુપ્ત મુખ્યાલય અને 3 હોસ્પિટલ છે. આ ઉપરાંત, અહીં વકીલો માટે અલગ કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યા છે, જેથી કેદી પોતપોતાના વકીલ સાથે અલગથી વાત કરી શકે. આ જેલમાં કેદીઓ માટે ચર્ચ અને સિનેમા હોલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેદીઓ માટે અહીં ખાવાનાથી લઈને જીમ અને પ્લે સ્ટેશનની પણ સુવિધા છે.

અમેરિકામાં થયેલા 9/11 હુમલાના માસ્ટરમાઈન્ડ ખાલિદ શેખ મોહમ્મદ પણ આ જ જેલમાં બંધ છે. ક્યૂબાના દક્ષિણ-પૂર્વી તટ પર અમેરિકાએ 1898માં ગ્વાંતાનમો બેને નેવી બેઝ બનાવ્યું હતું, પરંતુ બાદમાં તેને ડિટેન્શન સેન્ટર બનાવી દેવામાં આવ્યું. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે અહીં એક કમ્પાઉન્ડ બનાવડાવ્યું, જ્યાં આતંકીઓને રાખવામાં આવતા હતા. તેને કેમ્પ એકસ-રે નામ આપવામાં આવ્યું હતું.

આ જેલના કેપ્ટન અને વકીલ બ્રાયન એલ. માઈજરનું કહેવું છે કે, આ જેલમાં અલગ-અલગ સમય પર આશરે 770 પુરુષ (યુદ્ધબંધી) રહી ચુક્યા છે. વર્ષ 2003માં અહીં કેદીઓની સંખ્યા 677 સુધી પહોંચી ગઈ હતી. જ્યારે વર્ષ 2011માં અહીં છેલ્લીવાર કોઈ કેદીને લાવવામાં આવ્યો હતો.

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશના કાર્યકાળ દરમિયાન અહીંથી 540 કેદીઓને છોડી મુકવામાં આવ્યા હતા. જ્યારે ઓબામાના પ્રશાસને 200 કેદીઓને આઝાદ કર્યા હતા.

error: Content is protected !!