fbpx

આ ટેક્નોલોજી હોત તો ટીમ ક્લીન સ્વીપ થઇ ન હોત, જાણો BCCI ઉપયોગ કેમ નથી કરતું?

Spread the love

ભારતીય ટીમને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે શરમજનક 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલીવાર ટીમ ઈન્ડિયા હોમ ગ્રાઉન્ડ પર 3 કે તેથી વધુ મેચોની શ્રેણીમાં તમામ મેચ હારી ગઈ છે. મુંબઈમાં છેલ્લી મેચમાં રિષભ પંતની વિકેટ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. તેના આઉટ થવા પર ઘણો વિવાદ પણ થયો હતો. ત્યાં સુધી કે, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ થર્ડ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. ભારતીય ટીમને અહીં ક્રિકેટની એક ખાસ ટેક્નોલોજીની કમી નડી ગઈ. તેનું નામ હોટસ્પોટ છે.

મુંબઈ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગમાં રિષભ પંત ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ જઈ રહ્યો હતો. અચાનક રિષભ પંત આગળ વધ્યો અને એજાઝ પટેલના એક બોલને ડિફેન્સ કર્યો. આ પછી બોલ હવામાં ઉછળ્યો, જેને વિકેટકીપર ટોમ બ્લંડેલે કેચ કર્યો હતો. ન્યુઝીલેન્ડે જોરદાર અપીલ કરી, પરંતુ મેદાન પરના અમ્પાયરે આઉટ ન આપ્યો. આ પછી કેપ્ટન ટોમ લાથમે રિવ્યુ લીધો. અલ્ટ્રાએજ બતાવે છે કે, જ્યારે બોલ રિષભ પંતના બેટની નજીક હતો ત્યારે થોડો અવાજ આવ્યો હતો. તે જ સમયે બોલ પેડ પર પણ અથડાતો હતો. કોઈ સ્પષ્ટપણે કંઈપણ સમજી શક્યું ન હતું. થર્ડ અમ્પાયર પોલ રોફેલે મેદાન પરના નિર્ણયને પલટી નાખ્યો અને રિષભ પંતને આઉટ જાહેર કર્યો. આ નિર્ણયથી રિષભ પંત નારાજ હતો. આનાથી ભારતીય છાવણી પણ નિરાશ થઈ ગઈ. તેના આઉટ થયા પછી ભારતની હાર નિશ્ચિત થઇ ગઈ હતી.

હોટસ્પોટ ટેક્નોલોજીનો ઉપયોગ ક્રિકેટમાં બોલ બેટ અથવા બેટ્સમેનના શરીર સાથે અથડાતા તેની સ્થિતિ જાણવા માટે થાય છે. આ ટેક્નોલોજી બે થર્મલ ઇમેજિંગ કેમેરાનો ઉપયોગ કરે છે, જે બંને છેડે બોલરની પાછળ મૂકવામાં આવે છે. આ કેમેરા બેટ્સમેનના શરીર અથવા બેટ અથવા પેડને સ્પર્શતા બોલની સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે.

ક્રિકેટની તમામ તકનીકોની જેમ, હોટસ્પોટ પણ કેટલાક વિવાદો સાથે સંકળાયેલું છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને 2011માં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટ્વિટ કર્યું હતું, ‘શું VVS લક્ષ્મણના બેટના બહારના કિનારે લાગેલા વેસેલિનથી દિવસ બચાવી લીધો?’ ઉપકરણના શોધક વોરેન બ્રેનને પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, બેટ પરનું કોટિંગ હોટસ્પોટ્સ માટે હાનિકારક હોઈ શકે છે.

ભારતમાં હોટસ્પોટનો ઉપયોગ થતો નથી. બ્રોડકાસ્ટિંગ અને BCCI સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, હોટસ્પોટનું સંચાલન કરવું મોંઘુ છે. આ ઉપરાંત તે 100 ટકા સચોટ નથી. તેનો ઉપયોગ મર્યાદિત છે, કારણ કે Snikko મીટર કિનારીઓને પકડી લે છે. આ કારણોસર વિશ્વના મોટાભાગના બ્રોડકાસ્ટર્સ તેનો ઉપયોગ કરતા નથી. સ્કાય સ્પોર્ટ્સ અને સુપરસ્પોર્ટ્સે પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે.

error: Content is protected !!