ગુજરાતના વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે સરકારી બેંકને સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકને રૂ. 57,000 પરત કરવાનો આદેશ આપ્યો છે. ફોરમે સ્પષ્ટતા કરી હતી કે, રવિવારને કામકાજનો દિવસ ગણી શકાય નહીં, તેથી ગ્રાહક દ્વારા ‘ફરિયાદમાં વિલંબ’ની બેંકની દલીલ સ્વીકાર્ય નથી. 1 માર્ચ, 2019ના રોજ, 40,000 રૂપિયા અને 2 માર્ચ, 2019ના રોજ 17,000 રૂપિયા તરસાલી વિસ્તારના રહેવાસી નાગરાજ પાટીલના ખાતામાંથી છેતરપિંડીથી ઉપાડી લેવામાં આવ્યા હતા. 13 દિવસ પછી, 15 માર્ચે, જ્યારે પાટીલે તેના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને આ છેતરપિંડી વિશે ખબર પડી.
જ્યારે પાટીલને તેની પાસબુક અપડેટ કર્યા પછી રૂ. 57,000ના બે વ્યવહાર છેતરપિંડીથી ઉપાડી લેવામાં આવ્યાની ખબર પડી, ત્યારે તેણે તરત જ બેંકના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો અને તેનું ડેબિટ કાર્ડ બ્લોક કરાવ્યું હતું. ત્યારપછી, 18 માર્ચે, તેણે બેંક મેનેજરનો સંપર્ક કર્યો, જેણે માહિતી આપી કે, આ વ્યવહારો ઝારખંડના હરિહરપુરથી કરવામાં આવ્યા હતા. પાટીલે પાણીગેટ પોલીસને પણ ઘટના અંગે જાણ કરી હતી.
પાટીલે બેંક પાસે તેની રકમ પરત કરવાની માંગણી કરી હતી. જ્યારે બેંકે તેની રકમ પરત કરવાનો ઇનકાર કર્યો ત્યારે પાટીલે જૂન 2019માં ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. બેંકે દાવો કર્યો હતો કે, જો પાટીલે તરત જ કાર્ડ બ્લોક કરાવ્યું હોત તો છેતરપિંડી રોકી શકાઈ હોત. બેંકે એમ પણ કહ્યું કે, સાત કામકાજના દિવસો પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના કારણે તે તેના નુકસાન માટે પોતે જ જવાબદાર છે.
જો કે, ગ્રાહક ફોરમે બેંકની દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, બેંકે એ સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી કે, પાટીલને SMS દ્વારા વ્યવહારની જાણ કરવામાં આવી હતી. કમિશને એ પણ સ્વીકાર્યું કે 15 માર્ચ શુક્રવાર હતો અને તે સમય મર્યાદામાં આવ્યો ન હતો, જ્યારે 17 માર્ચ રવિવાર હતો, જે રજા છે. જેના આધારે ફરિયાદીએ ત્રીજા કામકાજના દિવસે બેંકને જાણ કરી હતી.
ફોરમે તેના આદેશમાં જણાવ્યું હતું કે, ‘RBIના નિયમો મુજબ, ફરિયાદીએ બેંકને છેતરપિંડી વિશે ત્રણ કાર્યકારી દિવસોમાં જાણ કરી છે, તેથી તે શૂન્ય જવાબદારી માટે હકદાર છે. ફોરમે બેંકને માર્ચ 2019થી 9 ટકા વાર્ષિક વ્યાજ સાથે પાટીલના ખાતામાં 57,000 રૂપિયા જમા કરવાનો નિર્દેશ આપ્યો છે.