દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ભલે દેશમાં સૌથી વધુ કારનું વેચાણ કરતી હોય. પરંતુ આજે પણ મારુતિ કારની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. તેનું કારણ એ છે કે, મારુતિની કાર વૈશ્વિક ક્રેશ ટેસ્ટમાં દર વખતે પછડાટ ખાતી રહી હોવાનું સાબિત થયું છે. પરંતુ મારુતિના આવનારા નવા મારુતિ ડિઝાયરની ચોથી પેઢીના મોડલે તેના લોન્ચિંગ પહેલા જ વિશ્વને તેની મજબૂતીની અને સલામતીની સાબિતી આપી દીધી છે. આ કારનું ગ્લોબલ NCAP દ્વારા ક્રેશ-ટેસ્ટ કરવામાં આવ્યું છે જેમાં તેને 5-સ્ટાર રેટિંગ મળ્યું છે.
દેશના લગભગ અડધા બજાર પર કબજો જમાવી રાખનારી મારુતિ સુઝુકીની આ પહેલી કાર છે, જેને ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ અગાઉ, મારુતિની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV મારુતિ બ્રેઝાને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4-સ્ટાર રેટિંગ મળ્યું હતું. આ નવી કાર માર્કેટમાં આવે તે પહેલા જ મારુતિનું લેવલ ઊંચું કર્યું છે.
મારુતિ સુઝુકી 11મી નવેમ્બરે નવી મારુતિ ડિઝાયરને સત્તાવાર રીતે વેચાણ માટે લૉન્ચ કરવા જઈ રહી છે. તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઈ ગયું છે, જે કંપનીની વેબસાઈટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા માત્ર રૂ. 11,000 જમા કરીને બુક કરી શકાય છે. આ કારની સીધી સ્પર્ધા Tata Tigor, Hyundai Aura અને Honda Amaze જેવી કાર સાથે છે.
ગ્લોબલ NCAPના ક્રેશ ટેસ્ટ દરમિયાન, આ કારે પુખ્ત સુરક્ષામાં કુલ 34 પોઈન્ટમાંથી 31.24 પોઈન્ટ મેળવ્યા છે. રિપોર્ટ અનુસાર, આગળના ક્રેશ ટેસ્ટમાં ડ્રાઇવર અને સહ-મુસાફરના માથાને સારી સુરક્ષા મળે છે. જો કે ટેસ્ટ રિપોર્ટ પછી ડ્રાઈવરની છાતીમાં નજીવી સલામતી દર્શાવાઈ છે. આ સિવાય આગળના મુસાફરના ઘૂંટણ અને પગને પૂરતું રક્ષણ મળે છે. સાઇડ ઇમ્પેક્ટ અને સાઇડ પોલ ટેસ્ટમાં ડમીના માથું, છાતી, પેટ અને પેલ્વિસ એરિયાની સુરક્ષા સારી હતી. જો કે, છાતી વિસ્તારની સલામતી નજીવી રહી છે.
નવી ડીઝાયરએ બાળકોની સુરક્ષામાં કુલ 49 પોઈન્ટમાંથી 39.20 પોઈન્ટ મેળવ્યા છે. આ કિસ્સામાં કારને 4-સ્ટાર રેટિંગ મળ્યું છે. આ ક્રેશ ટેસ્ટમાં, ISOFIX એન્કરેજ સાથે કારમાં 3 વર્ષના બાળકની ડમી (મેનક્વિન) મૂકવામાં આવી હતી. જેમાં ડમીના માથા અને છાતીને પૂરતું રક્ષણ મળે છે, જ્યારે ગળામાં થોડી અસર થાય છે. બીજી તરફ 18 મહિનાના બાળકની ડમીને પણ સંપૂર્ણ સુરક્ષા મળી છે.
મારુતિ ડિઝાયરનું જે મોડલ ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું છે તેમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, તમામ મુસાફરો માટે ત્રણ-પોઈન્ટ સીટ બેલ્ટ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), સીટ બેલ્ટ રિમાઇન્ડર અને રીઅર પાર્કિંગ સેન્સર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.