ઓસ્ટ્રેલિયન સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવવાની યોજના જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસે શુક્રવારે જણાવ્યું હતું કે, તેમની સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા માટે આ મહિને કાયદો રજૂ કરશે.
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનિસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, સોશિયલ મીડિયા અમારા બાળકોને ઘણું નુકસાન પહોંચાડી રહ્યું છે. એટલું જ નહીં, હવે તેને રોકવાનો સમય આવી ગયો છે. આ સાથે તેમની સરકારના મંત્રીએ એ પણ જણાવ્યું કે, કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
PM એન્થોની અલ્બેનિસે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું, ‘આ માતા અને પિતા માટે છે. તેઓ, મારી જેમ, અમારા બાળકોની ઓનલાઈન સલામતી વિશે ખૂબ જ ચિંતિત છે. હું ઈચ્છું છું કે, ઓસ્ટ્રેલિયન પરિવારો જાણે કે, સરકાર તેમની સાથે છે.’ આ અંગે કાયદો બનાવવા માટે આ વર્ષે સંસદમાં વટહુકમ લાવવામાં આવશે અને કાયદો પસાર થયાના 12 મહિના પછી આ વય મર્યાદા લાગુ કરવામાં આવશે. તેમજ ઓસ્ટ્રેલિયાના E-સેફ્ટી કમિશનર દ્વારા આ કાયદા પર નજર રાખવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટરે આ વિષયને વિગતવાર સમજાવ્યો છે. તેમણે કહ્યું કે, આ કાયદો લાગુ થયા પછી મેટાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની સાથે બાઈટડાન્સના ટિકટોક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના નામ પણ સામેલ છે. આ સિવાય યુટ્યુબનું નામ પણ તેમાં સામેલ કરી શકાય છે. જો કે, આ સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોથી બચાવવા માટે વિશ્વના ઘણા દેશોમાં ઘણા કાયદા અને નિયમો છે. જોકે ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય સૌથી વધારે મુશ્કેલ છે. મહાસત્તા અમેરિકામાં પણ આવો નિયમ છે. USમાં, કંપનીઓ માટે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ડેટાને ઍક્સેસ કરવા માટે માતાપિતાની પરવાનગી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સરકારી યોજના અનુસાર, જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઍક્સેસને પ્રતિબંધિત કરવામાં નિષ્ફળ જશે, તો તેમને દંડ કરવામાં આવશે. જો કે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને તેમના માતા-પિતા અથવા વાલીઓ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી અથવા દંડ લાદવામાં આવશે નહીં.