fbpx

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની માંગ

Spread the love

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ખુલ્લેઆમ હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, કટ્ટરપંથીઓ હવે ઇસ્કોન જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાંગ્લાદેશી કટ્ટરપંથીઓએ ઈસ્કોનને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.

બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો પછી ઓગસ્ટમાં શેખ હસીનાની સરકાર પડી ત્યારથી હિંદુ લઘુમતીઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. હવે કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો ખુલ્લેઆમ હિંદુઓની ધરપકડ કરવા, ત્રાસ આપવા અને તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઈસ્લામે ખુલ્લેઆમ સૂત્રોચ્ચાર કર્યા છે, ‘એક ઈસ્કોન ભક્તને પકડો, પછી તેને મારી નાખો.’ ભારતમાં નિર્વાસિત જીવન જીવતી બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે.

તાજેતરમાં, 13 નવેમ્બરે, ‘ઇસ્લામિક ઉલેમા કાઉન્સિલ’ના કટ્ટરપંથીઓ રાજધાની ઢાકામાં નેશનલ પ્રેસ ક્લબની સામે એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ઉશ્કેરણીજનક ભાષણ આપતા ભીડને કહ્યું કે, ઇસ્કોન કોઈ ધાર્મિક સંગઠન નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અરાજકતા ફેલાવતું જૂથ છે.

હિંદુઓ વિરુદ્ધ સતત હિંસા ચલાવી રહેલા કટ્ટરપંથીઓએ કહ્યું કે, ઈસ્કોન બાંગ્લાદેશ માટે ખતરો બની ગયો છે. પ્રદર્શન દરમિયાન હિફાઝત-એ-ઈસ્લામ જૂથે બાંગ્લાદેશમાંથી ઈસ્કોન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આવું જ એક પ્રદર્શન 8 નવેમ્બરના રોજ ચટગાંવમાં અંદરકિલા જામે મસ્જિદની સામે થયું હતું.

થોડા દિવસો પહેલા બાંગ્લાદેશ હિફાઝત-એ-ઈસ્લામ સંગઠને પણ ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. કટ્ટરવાદીઓએ ઈસ્કોન સાથે જોડાયેલા લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પછી મુસ્લિમ સમુદાયનું અન્ય એક ધાર્મિક સંગઠન ‘ઈસ્લામિક ઉલેમા કાઉન્સિલ’ પણ આ જ માંગ સાથે મેદાનમાં ઉતરી આવ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતે બાંગ્લાદેશમાં હિંદુ અલ્પસંખ્યકો પર ભડકાઉ સોશિયલ મીડિયા પોસ્ટ અને અત્યાચાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. થોડા દિવસો પહેલા જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ચટગાંવમાં હિન્દુ સમુદાયના સભ્યો પર થયેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ તણાવ સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટનું પરિણામ છે. આ નિંદનીય છે. લઘુમતીઓને સુરક્ષા પુરી પાડવાની બાંગ્લાદેશની વિશેષ જવાબદારી છે.

Leave a Reply

error: Content is protected !!