fbpx

ઓલા ઈલેક્ટ્રીકમાં આવતી ફરિયાદોને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય

Spread the love

ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપની ઓલા ઈલેક્ટ્રિકને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીના સેવા ધોરણો અને ઉત્પાદનોમાં આવી રહેલી ખામીઓને લઈને ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે ઓલા ઈલેક્ટ્રીકની તપાસના આદેશ આપી દીધા છે. આ અંગે કંપની તરફથી જવાબ પણ સામે આવ્યો છે.

એક ન્યૂઝ એજન્સીમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, ગયા મહિને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ ઓલા ઈલેક્ટ્રીકને નોટિસ પાઠવી હતી. હકીકતમાં, SoftBank દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ કંપનીના E-સ્કૂટર્સને લઈને ભારતમાં 10 હજારથી વધુ ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના સંદર્ભમાં, CCPAએ કંપનીને નોટિસ પાઠવી હતી અને આ ફરિયાદોના સંદભમાં સ્પષ્ટતા માંગી હતી.

ભારતની ટોચની E-સ્કૂટર નિર્માતા કંપની ઓલાએ CCPAની નોટિસના જવાબમાં કહ્યું હતું કે, તેણે 99.1 ટકા ફરિયાદોનું નિરાકરણ કરી દીધું છે. કંપની તરફથી આવેલા જવાબ પછી, CCPAએ હવે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ને સમન્સ મોકલ્યું છે. આ રિપોર્ટ અનુસાર, ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ કહ્યું કે, CCPAએ હવે BISને આ મામલે વિગતવાર તપાસ કરવા કહ્યું છે.

BISના DGને 15 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે. એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આ મામલાની તપાસ ઔપચારિક રીતે 6 નવેમ્બરથી શરૂ થઈ ચુકી છે.

અહીં તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2023થી ઓગસ્ટ 2024 વચ્ચે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) પર ઓલા ઈલેક્ટ્રીક વિરુદ્ધ કુલ 10,644 ફરિયાદો નોંધાયા પછી આ તપાસ શરૂ કરવામાં આવી હતી.

ઓલાના સ્થાપક ભાવિશ અગ્રવાલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ફરિયાદો મોટાભાગે ‘સામાન્ય’ સમસ્યાઓને લઈને હતી. તેમણે કહ્યું કે, હકીકતમાં આમાંથી બે તૃતીયાંશ કેસો તો નાની સમસ્યાઓ, જેવી કે, નટ બોલ્ટ ઢીલા હતા જેવાથી સંબંધિત છે. અથવા તો એવા મુદ્દાઓ હતા જે, ઉપયોગ કરનારાઓ દ્વારા સૉફ્ટવેરની ઓછી સમજણને કારણે ઊભી થઈ હતી.

અગ્રવાલે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, કંપનીની બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ટૂંક સમયમાં જ લોન્ચ થવા જઈ રહી છે. એક પોસ્ટમાં અગ્રવાલે ઓલાના મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ફ્યુચર ફેક્ટરી વિશે માહિતી આપી હતી. તેમણે કોમર્શિયલ બેટરી ઉત્પાદન માટે ગીગાફેક્ટરી વિશે પણ અપડેટ શેર કર્યું. ભાવિશે ફેક્ટરી અને ઓલાની ઓલ-વુમન એસેમ્બલી લાઇનની તસવીરોની સાથે સાથે અન્ય ડેવલોપમેન્ટ વિશે માહિતી શેર કરી છે.

Leave a Reply

error: Content is protected !!