fbpx

શમી ક્યારે પાછો ફરશે, શું ગિલ રમશે પર્થ ટેસ્ટ? બોલિંગ કોચ મોર્કલે કર્યો ખુલાસો

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) હેઠળ 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે. પર્થ ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વગર રમાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કલે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમની તૈયારીઓ વિશે ખુલીને વાત કરી હતી.

મોર્ને મોર્કેલે મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતીય ટીમ પર્થની ઉછાળવાળી અને ઝડપી પીચ પર રમવા માટે તૈયાર છે. મોર્કેલે કહ્યું કે ટીમ ઈન્ડિયાના બોલરો ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી શકે છે.

આ દરમિયાન મોર્કેલે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમ સાથે જોડાયેલા 4 સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં મોહમ્મદ શમીની વાપસી, ગિલની ઈજા અને નીતીશ રેડ્ડીને લગતા વળગતા પ્રશ્નો મહત્વના રહ્યા હતા. બીજી તરફ મોર્કેલે કોહલી ટીમ ઈન્ડિયાનો ભવિષ્યનો કેપ્ટન હશે તેના પર પણ જવાબ આપ્યો.

મોર્કેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, અમે શમી પર સતત નજર રાખી રહ્યા છીએ, અમારે તેના શરીરનું ધ્યાન રાખવું પડશે. અમે તેની સાથે ધીરજ રાખી રહ્યા છીએ, તે ઘરઆંગણે ટીમ સાથે કામ કરી રહ્યો છે. એ ધ્યાનમાં રાખો કે, શમી હવે શનિવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતો જોવા મળશે.

આ દરમિયાન ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કેલે શુભમન ગિલ વિશે જવાબ આપ્યો. તેણે કહ્યું કે, તે દિવસે દિવસે એકદમ સારો થઇ રહ્યો છે. અમે પર્થ ટેસ્ટની સવારે નિર્ણય લઈશું. એટલે કે મોર્કેલના નિવેદનથી સ્પષ્ટ છે કે, ભારતીય ટીમ હજુ પણ ગિલની રમતને લઈને આશાવાદી છે.

આ દરમિયાન મોર્કેલે કોહલીના નેતૃત્વની ભૂમિકા પર પણ જવાબ આપ્યો. તેણે કહ્યું કે, તે જે તીવ્રતા અને વ્યવસાયિકતા સાથે આવે છે, તેનાથી અન્ય લોકો દબાણમાં રહે છે. તે પોતાની રમતને એક અલગ લેવલ પર લઈ જાય છે.

આ દરમિયાન મોર્કેલે નીતિશ રેડ્ડીની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું, તે યુવા ખેલાડીઓમાંથી એક છે. તેની પાસે ઓલરાઉન્ડ પ્રદર્શન કરવાની ક્ષમતા છે. તે એક એવો ખેલાડી છે, જે અમારા માટે એક છેડો સંભાળી શકે છે. તેની ખાસિયત એ છે કે તે વિકેટ ટુ વિકેટ બોલર છે. વિશ્વની કોઈપણ ટીમને એવો ઓલરાઉન્ડર ઈચ્છે છે, જે ઝડપી બોલરોને મદદ કરી શકે. તે જસપ્રિત પર નિર્ભર કરશે કે તે તેનો કેવી રીતે ઉપયોગ કરે છે. સિરીઝમાં ચોક્કસપણે તેના પર નજર રાખવી પડશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, KL રાહુલ, રીષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.

પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર 2024- જાન્યુઆરી 2025): 22-26 નવેમ્બર: પ્રથમ ટેસ્ટ-પર્થ, 6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ-એડિલેડ, 14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ-બ્રિસ્બેન, 26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ-મેલબોર્ન, 03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ-સિડની.

Leave a Reply

error: Content is protected !!