લંડનના એક 10 વર્ષના છોકરાનું મગજ પ્રખ્યાત વૈજ્ઞાનિકો આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ કરતા વધારે તેજ હોવાનું કહેવામાં આવે છે. આ ભારતીય-બ્રિટિશ છોકરાનું નામ ક્રિશ અરોરા છે. માત્ર 10 વર્ષના ક્રિશ અરોરાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. તાજેતરમાં ક્રિશે 162નો IQ (Intelligence Quotient) સ્કોર હાંસલ કર્યો છે. આ સ્કોર વિશ્વના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના IQ કરતા પણ વધુ છે. ઐતિહાસિક રેકોર્ડના આધારે, આઈન્સ્ટાઈનનો IQ સ્કોર 160 હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર, આ સ્કોર પછી ક્રિશ વિશ્વના સૌથી બુદ્ધિશાળી લોકોની યાદીમાં ટોપ 1 ટકામાં સામેલ થઈ ગયો છે. આ સિદ્ધિ સાથે ક્રિશને મેન્સામાં એન્ટ્રી મળી છે. મેન્સા એ લોકોનો સમાજ છે, જેનો IQ ઉચ્ચ સ્તરનો હોય છે. આખા વર્ષનો અભ્યાસક્રમ એક જ દિવસમાં પૂરો કરનાર આ 10 વર્ષનો છોકરો માત્ર એકેડેમિશિયન જ નથી પણ એક સારો સંગીતકાર પણ છે, જેણે ઘણી સંગીત સ્પર્ધાઓ જીતી છે.
UKના એક સ્થાનિક અખબારના રિપોર્ટ અનુસાર, વેસ્ટ લંડનના હાઉન્સલોમાં રહેતા ક્રિશ અરોરાના માતા-પિતા એન્જિનિયર છે. ક્રિશની માતાએ કહ્યું, ‘જ્યારે ક્રિશ માત્ર 4 વર્ષનો હતો, ત્યારે તેણે જે પણ કર્યું તે ચાર વર્ષનું બાળક કરે તેના કરતા ઘણું વધારે હતું. તે સતત એકધારું વાંચી શકતો હતો અને તે ગણિતને હંમેશા પસંદ કરતો હતો. મને યાદ છે કે, 4 વર્ષની ઉંમરે તેણે મારી સાથે ત્રણ કલાક બેસીને આખું ગણિતનું પુસ્તક વાંચ્યું હતું. 8 વર્ષની ઉંમરે, ક્રિશે એક જ દિવસમાં આખા વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરી લીધો હતો.’
ટૂંક સમયમાં જ ક્રિશને ‘ક્વીન એલિઝાબેથ સ્કૂલ’માં પ્રવેશ પણ મળવાનો છે, જે બ્રિટનની ખૂબ જ પ્રતિષ્ઠિત ગ્રામર સ્કૂલ છે. ક્રિશે કહ્યું કે, તેને આશા છે કે નવી શાળામાં તેની ક્ષમતાઓના વિકાસ માટે વધુ સારો પડકાર મળશે. ક્રિશે કહ્યું, ‘પ્રાથમિક શાળા મારા માટે કંટાળાજનક છે, હું કંઈપણ શીખતો નથી, અમે આખો દિવસ ગુણાકાર કરીએ છીએ અને વાક્યો લખીએ છીએ. મને બીજગણિત ગમે છે.’
અભ્યાસ ઉપરાંત ક્રિશ એક ઉત્તમ પિયાનોવાદક છે. ક્રિશે જણાવ્યું કે, તેણે વેસ્ટ લંડનમાં ઘણી સંગીત સ્પર્ધાઓમાં એવોર્ડ જીત્યા છે. ટ્રિનિટી કોલેજ ઓફ મ્યુઝિક દ્વારા ક્રિશને હોલ ઓફ ફેમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. ક્યારેક તો પરફોર્મ કરતી વખતે તેને મ્યુઝિક શીટની પણ જરૂર પડતી નથી. તે મુશ્કેલ સંગીતના ટુકડાઓને યાદ રાખીને તેને રજુ કરી શકે છે.
પોતાના ફાલતુ સમયમાં, ક્રિશને કોયડાઓ ઉકેલવામાં અને ચેસ રમવાની મજા આવે છે. આ માટે તેના માતા-પિતાએ ચેસ ટીચરની પણ વ્યવસ્થા કરી છે. પરંતુ ક્રિશના દિમાગની સામે ચેસના શિક્ષક પણ તેની સામે હારી જાય છે.