4 ડિસેમ્બરના રોજ, અલ્લુ અર્જુનની પુષ્પા 2ના સ્ક્રીનિંગ વખતે નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તેની આસપાસનો આ મામલો બંધ થયો નથી. આ મામલે નવીનતમ અપડેટ એ છે કે, અલ્લુના જ્યુબિલી હિલ્સના ઘરની બહાર તોડફોડ કરવામાં આવી છે. એક મીડિયા ચેનલ પર પ્રકાશિત અહેવાલ મુજબ, ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટીના સભ્યોએ 22 ડિસેમ્બરની સાંજે અલ્લુ અર્જુનના ઘરે વિરોધ પ્રદર્શન કર્યું અને ઘરની બહાર રાખેલા ફૂલ છોડના કુંડા તોડી નાખ્યા. વિરોધકર્તાઓએ JAC પાસે માંગ કરી છે કે, અલ્લુ અર્જુન મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય રકમ આપે અને પરિવારને શક્ય એટલી તમામ મદદ કરે.
એક મીડિયા ચેનલના અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓએ હૈદરાબાદમાં અભિનેતાના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે પોતાની માંગણીઓ પર દબાણ લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. દેખાવકારોની માંગ છે કે, નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવે. સાથે જ પરિવારને શક્ય એટલી તમામ મદદ પણ મળવી જોઈએ. જો કે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ દેખાવકારોને કસ્ટડીમાં લીધા હતા. રિપોર્ટ અનુસાર પોલીસે 8 લોકોની અટકાયત કરી છે. એવું કહેવાય છે કે, જ્યારે આ વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે અલ્લુ અર્જુન તેના ઘરે ન હતો.
આ પ્રદર્શનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો અભિનેતાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેના હાથમાં પ્લેકાર્ડ પણ છે. તે ફૂલ છોડના કુંડા તોડી રહ્યો છે. હાલ પૂરતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ‘પુષ્પા’ 2નું પ્રીમિયર 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં હતું. જેમાં એક્ટર અલ્લુ અર્જુન પણ આવ્યો હતો. તેની એક ઝલક મેળવવા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી 13 ડિસેમ્બરે પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. પરંતુ તે જ દિવસે તેલંગાણા હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા.
હવે આ મુદ્દો શેરીઓથી લઈને તેલંગાણા વિધાનસભા સુધી ઉઠાવવામાં આવી રહ્યો છે. રાજ્યના CM રેવન્ત રેડ્ડીએ શનિવારે, 21 ડિસેમ્બરના રોજ વિધાનસભામાં કહ્યું હતું કે, અભિનેતા અલ્લુ અર્જુને નાસભાગના દિવસે પોલીસની સૂચનાઓની અવગણના કરી હતી અને તેણે થિયેટરની બહાર નીકળવાની ના પાડી. જ્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, થિયેટરની બહાર એક મહિલાનું મૃત્યુ થઇ ગયું છે.