નિગમબોધ ઘાટ પર પૂર્વ PM મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવાના સરકારના નિર્ણય પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્મારક બનાવવાની માંગ કરી હતી. તેમજ સરકારને આ મુદ્દે રાજનીતિ ન કરવાની સલાહ આપી હતી.
હકીકતમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફોન કરીને ડૉ.મનમોહન સિંહનું સ્મારક બનાવવાની માંગ કરી હતી. ખડગેએ કરેલા ફોનના જવાબમાં સરકારે તે માટે જગ્યાનું વિચારવા બે-ચાર દિવસનો સમય માંગ્યો હતો. જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ માહિતી આપવામાં આવી ત્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આવી સ્થિતિમાં મનમોહન સિંહને અંતિમ સંસ્કાર માટે વીર ભૂમિ અથવા શક્તિ સ્થળનો કેટલોક ભાગ આપવામાં આવે અને ત્યાં જ તેમની સમાધિ સ્થળ પણ બનાવવામાં આવે.
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, ‘જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેની સાથેની તમામ દુશ્મની દૂર થઈ જાય છે. પરંતુ, અહીં રાજકારણ થઈ રહ્યું છે. મને એક નાનકડો સવાલ પૂછવા દો કે, જો અટલજીના અંતિમ સંસ્કાર કરવાના હોતે અને કોઈ કહે કે સ્મારક રાજઘાટ પર નહીં બને, પરંતુ બીજે ક્યાંક બનાવવામાં આવશે, તો તમને કેવું લાગતે? આ મુદ્દો કોઈ પક્ષનો નથી પરંતુ દેશના ઈતિહાસનો છે. ઉદારતા દાખવવી જોઈતી હતી.’
પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના નિધન પર કર્ણાટકના DyCM DK શિવકુમારે કહ્યું, ‘તેમણે દેશ અને લોકો માટે કામ કર્યું. તેમણે ઘણી ક્રાંતિ લાવી. તેમણે સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખ્યું છે.
પૂર્વ PM સિંહના સ્મારક પર તેમણે કહ્યું, ‘આ સમયની જરૂરિયાત છે. હું આશા રાખું છું કે તેઓ (સરકાર) સમજદારી મેળવશે અને કોંગ્રેસ પાર્ટી જે પણ માંગણી કરે છે તે પૂરી કરશે.
કોંગ્રેસના નેતા સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે, મનમોહન સિંહ એકદમ સજ્જન હતા. તેઓ આપણા દેશ માટે મહત્વપૂર્ણ PM હતા. તે દરેકની વાત સાંભળતા હતા અને હંમેશા ગરીબોની ચિંતા કર્યા કરતા હતા. તેમણે આધાર કાર્ડની શરૂઆત કરી હતી. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવાના મુદ્દે તેમણે કહ્યું કે, અમે તેમના માટે લડીશું.
પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના સ્મારકના મુદ્દે કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું, ‘આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો આ યોગ્ય સમય નથી. આખો દેશ જોઈ રહ્યો છે કે, શું થઈ રહ્યું છે. માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પણ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.’
કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના પંજાબના વડા અમરિન્દર સિંહ રાજા વાડિંગે કહ્યું, ‘અમે માંગ કરી રહ્યા છીએ કે, સરકારે સ્મારક માટે જગ્યા આપવી જોઈએ. જો અટલ બિહારી વાજપેયીને સ્થાન આપી શકાય તો મનમોહન સિંહને કેમ નહીં? તેઓ દેશના એકમાત્ર શીખ PM હતા. જ્યારે તેમનું સ્મારક બનાવવામાં આવશે, ત્યારે તેમાંથી ભાવિ પેઢીને પ્રેરણા મળશે.’
સ્મારક મુદ્દે કોંગ્રેસના નેતા રાજેશ ઠાકુરે કહ્યું, ‘તે ખૂબ જ દુઃખદ છે અને આ મુદ્દે કોઈ રાજનીતિ ન કરવી જોઈએ. દેશની સેવા કરનાર PMને એક નાનકડી જગ્યા પણ નથી આપી શકાતી તે નિંદનીય છે.’