રાજકીય પક્ષોને પૈસા આપવા અને ચૂંટણીમાં ટેકો આપવો એ આખી દુનિયામાં થતું આવ્યું છે. અમેરિકામાં પણ વર્ષોથી આવું થઈ રહ્યું છે, પરંતુ આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણી પછી જે કંઈ જોવા મળી રહ્યું છે તે માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે તદ્દન નવું છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન, તમને એવું જોવા મળ્યું હશે કે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ગણાતા એલોન મસ્ક ખુલ્લેઆમ તેમનું સમર્થન કરી રહ્યા હતા. ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ ચૂંટણી પછી જે રીતે મસ્ક આખી દુનિયાને જ્ઞાન આપી રહ્યા છે, તે જોઈને લાગે છે કે, ટ્રમ્પના આવ્યા પછી તેઓ પોતાને કંઇક વધુ શક્તિશાળી માનવા લાગ્યા છે.
તાજેતરની કેટલીક ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ,કેવી રીતે ટ્રમ્પના પરત ફર્યા પછી, કેટલાક અમેરિકન ઉદ્યોગપતિઓએ પોતાને સરકારના વિશેષ એજન્ટ તરીકે રજૂ કરવાનું શરૂ કર્યું છે. એલોન મસ્ક આમાં સૌથી આગળ છે અને જ્યોર્જ સોરોસ પણ અન્ય દેશોને નિશાન બનાવવામાં કોઈ કસર છોડતા નથી. આઉટગોઇંગ US પ્રમુખ જો બાઇડેને ખુરશી છોડતી વખતે સોરોસને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિકત્વ સન્માન આપીને નવો વિવાદ સર્જ્યો હતો. આ ઘટના એ પણ દર્શાવે છે કે કેવી રીતે સરકારો તેમના મનપસંદ અબજોપતિઓને ખુલ્લેઆમ સમર્થન આપે છે. ચાલો કઈ નહીં, મસ્કનું આ નવું રૂપ ભલે સામાન્ય માણસને ગમતું હોય, પરંતુ દુનિયામાં બધાને વણમાગી સલાહ આપવાની તેમની આદત ઘણા મોટા નેતાઓને પસંદ નથી આવી રહી.
તાજેતરની ચૂંટણીઓ પછી એલોન મસ્કનો અવાજ આટલો વધી કેમ ગયો, તેની પાછળના બે મોટા કારણો છે. પહેલી વાત એ છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એક બિઝનેસમેન છે. સ્વાભાવિક છે કે, તે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિની નજીક છે તે બધાને બતાવવા માંગતા હોય શકે. બીજું એ કે, એલોન મસ્ક પણ ખુલ્લા હાથે ટ્રમ્પની પર પૈસાનો વરસાદ કરી રહ્યા છે. ચૂંટણી દરમિયાન, મસ્કે ટ્રમ્પના પ્રચાર પર લગભગ 2,142.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. હવે જ્યારે અમેરિકાની સત્તા ટ્રમ્પના હાથમાં આવી ગઈ છે, તો એલોન મસ્ક ચોક્કસપણે જ તેનો લાભ લેવા માંગશે. આ તો થઇ એક અલગ વાત, પરંતુ તેઓ જે રીતે દુનિયાના અન્ય દેશો સામે પોતાની કડવી વાણી બોલી રહ્યા છે, તેનાથી તેઓ બધાની આંખમાં આવી ગયા છે.
એલોન મસ્કે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુરોપિયન દેશ જર્મનીમાં યોજાનારી ચૂંટણીને નિશાન બનાવી હતી. આ પછી, યુરોપના તમામ નેતાઓએ મસ્કની ઉપર ગુસ્સો ઉતાર્યો હતો. મસ્કે જર્મન ચાન્સેલર ઓલાફ શોઝને ‘મૂર્ખ’ ગણાવ્યા હતા અને તેમને રાજીનામું આપવાની સલાહ પણ આપી હતી. આ પછી જર્મન ચાન્સેલરે મસ્કને જોરદાર જવાબ આપ્યો. ત્યાર પછી નોર્વે, બ્રિટન અને ફ્રાન્સના નેતાઓ પણ તેમની સાથે જોડાયા અને બધાએ મસ્ક સાથે શાબ્દિક યુદ્ધ શરૂ કર્યું.
બ્રિટિશ PM કીર સ્ટારમેરે ચેતવણી આપી હતી કે, સ્પેસએક્સના માલિકે ‘એક રેખા’ પાર કરી દીધી છે. મસ્કે કહ્યું હતું કે, બાળકોની સુરક્ષા માટે જવાબદાર બ્રિટિશ PMને જેલમાં ધકેલી દેવા જોઈએ અને તેમણે બળાત્કાર માટે માફી પણ માંગવી જોઈએ.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મસ્ક પર નવી ‘આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાવાદી ચળવળ’ને પ્રોત્સાહન આપવા અને ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
નોર્વેના વડા પ્રધાન જોનાસ ગહર સ્ટોરીએ કહ્યું કે, તે ચિંતાજનક છે કે આટલી શક્તિ ધરાવનાર વ્યક્તિ (એલોન મસ્ક) અન્ય દેશોના મામલામાં આટલી સીધી રીતે હસ્તક્ષેપ કરી રહ્યા છે.
જર્મન સરકારે પહેલેથી જ અબજોપતિ એલોન મસ્કની ટીકા કરી છે, કારણ કે તેણે આગામી ચૂંટણીઓમાં રશિયન તરફી રશિયન પક્ષ અલ્ટરનેટીવ ફોર જર્મની (AfD)ને સમર્થન આપ્યું હતું. આ પછી, જર્મનીના ચાન્સેલરે પણ મસ્ક પર વળતો પ્રહાર કર્યો હતો.
એલોન મસ્ક ખુલ્લેઆમ માત્ર વિદેશી નેતાઓને જ નહીં, પરંતુ અમેરિકામાં તેના પોતાના અથવા એમ કહો કે ટ્રમ્પના વિરોધીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં, જ્યારે જો બાઇડેને જ્યોર્જ સોરોસને સર્વોચ્ચ નાગરિકતા સન્માન આપ્યું, ત્યારે મસ્કે ફરીથી તેમણે નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, સોરોસનું દુઃસ્વપ્ન જ અમેરિકા અને યુરોપને તબાહ કરી રહ્યું છે. સોરોસ એ જ વ્યક્તિ છે જે અવાર નવાર ભારત અને ખાસ કરીને PM નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા રહે છે.