fbpx

પાકિસ્તાનમાં દીકરાએ માતાના કરાવ્યા લગ્ન, લોકોએ કહ્યું- તારા જેવી હિંમત..

પાકિસ્તાનમાંથી એક દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સામે આવી છે, જેમાં એક દીકરો તેની માતાના બીજા લગ્ન કરાવી રહ્યો છે. જેથી જે માતાએ પોતાનું આખું જીવન પુત્રના ઉછેરમાં વિતાવ્યું તે માતાને તેના જીવનમાં ફરીથી પ્રેમ મળી શકે. પુત્ર દ્વારા તેની માતાના લગ્ન કરાવવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેને લોકોનો ઘણો પ્રેમ અને પ્રશંસા મળી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક ઈમોશનલ વીડિયોમાં અબ્દુલ અહદે તેની માતા સાથે વિતાવેલી ઘણી કિંમતી પળો શેર કરી છે. તેણે તેની માતાના લગ્નની વીડિયો ક્લિપ પણ શેર કરી છે.

અબ્દુલે વિડિયોમાં જણાવ્યું હતું કે, ‘મારી માતાએ તેમના જીવનના 18 વર્ષ અમારી સંભાળ અને ઉછેર પાછળ ખર્ચી નાખ્યા હતા. મેં પણ તેને શક્ય તેટલું ખાસ જીવન આપવાનો પૂરો પ્રયાસ કર્યો. પરંતુ મને લાગે છે કે તે શાંતિપૂર્ણ જીવનની હકદાર હતી, જેથી એક પુત્ર તરીકે, મને લાગે છે કે 18 વર્ષ પછી પ્રેમ અને જીવનમાં બીજી તક મેળવવા માટે મેં મારી માતાને સપોર્ટ આપીને સારું કામ કર્યું છે.’

વીડિયોમાં અબ્દુલ અને તેની માતા વચ્ચે મજબૂત બોન્ડિંગ દેખાય છે. લગ્ન પછી બધા એકબીજાને અભિનંદન પણ આપે છે. બીજી પોસ્ટમાં અબ્દુલે તેની માતાના લગ્નનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘સામાજિક સંકોચના કારણે મને મારી માતાના લગ્નના સમાચાર શેર કરવામાં ઘણા દિવસો લાગ્યા, પરંતુ તમે બધાએ જે પ્રેમ અને સમર્થન દર્શાવ્યું છે તે ખરેખર જબરજસ્ત છે. મેં મારી મા ને બતાવ્યું કે તમે કેવી રીતે અમારા નિર્ણયની પ્રશંસા અને તેનો આદર કર્યો. અમે બંને તમારા આભારી છીએ. હું દરેક મેસેજ કે કોમેન્ટનો જવાબ તો આપી નથી શકતો, પરંતુ મહેરબાની કરીને તે નોંધી લો કે તમારો દરેક સંદેશ-કોમેન્ટ અમારા માટે ઘણો અર્થપૂર્ણ હોય છે.’

અબ્દુલની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની પ્રગતિશીલ વિચારસરણી અને સામાજિક ધોરણોને પડકારવાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, તમારા જેવી હિંમત હોવી જોઈએ. આ સાથે તેઓ તેની માતાને તેના નવા જીવન માટે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.