fbpx

રોહિત અને અજિત વચ્ચે શું મીટિંગ થઈ, શું સીરિઝ પછી તે નિવૃત્ત થશે?

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમના નિરાશાજનક પ્રદર્શન પછી દરેક વ્યક્તિ કેપ્ટન રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીર વિશે વાત કરી રહ્યા છે. એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે, ઓસ્ટ્રેલિયા સામે રમાનારી સિડની ટેસ્ટ પછી રોહિત આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.

મેલબોર્ન ટેસ્ટમાં ભારતની શરમજનક હાર પછી રોહિત શર્માના પ્રદર્શન પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. કેપ્ટનની સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની યોગ્યતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિતનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર છેલ્લી 5 ઇનિંગ્સમાં તેણે માત્ર 31 રન જ બનાવ્યા છે. તેનું ખરાબ બેટિંગ ફોર્મ તેની કેપ્ટનશીપને પણ અસર કરી રહ્યું હોય તેવું લાગતું હતું, કારણ કે તેના મેદાન પરના કેટલાક નિર્ણયો પર સવાલો ઉભા થયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીફ સિલેક્ટર અજીત અગરકરે રોહિત સાથે વાત કરી છે, જેથી પરિસ્થિતિને સંભાળી શકાય. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આવી કોઈ વાતચીત થઈ નથી અને બધી ચર્ચાઓ BGT સિરીઝ પછી જ થશે. અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી રોહિત પોતાને 5મી ટેસ્ટ માટે અનુપલબ્ધ નહીં કરે ત્યાં સુધી તે સિડનીમાં ટીમનું સુકાન સંભાળશે. રોહિતે સ્વીકાર્યું કે, ઘણી  વસ્તુઓ તેના પક્ષમાં નથી ગઈ.

તેણે મીડિયા સૂત્રોને કહ્યું હતું કે, ‘હું ત્યાં જ ઊભો છું, જ્યાં હું આજે ઊભો છું, જે કંઈ પણ પહેલા થયું છે, તેના વિશે વિચારવાની જરૂર નથી. દેખીતી રીતે, કેટલાક પરિણામો અમારી તરફેણમાં ગયા નથી. એક કેપ્ટન તરીકે, હા, તે નિરાશાજનક છે. હા, એક બેટ્સમેન તરીકે પણ, ઘણી બધી બાબતો જે હું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે યોગ્ય નથી થઈ રહ્યું. એમાં કોઈ શંકા નથી કે, માનસિક રીતે આ બધી વસ્તુઓ તમને પરેશાન કરવાવાળી છે. જો તમે અહીં આવ્યા છો, તો તમે જે કરવા અહીં આવ્યા છો, તે સફળતાપૂર્વક કરવા માંગો છો. જો તે વસ્તુઓ યોગ્ય રીતે ન થાય, તો તે એક મોટી નિરાશા છે.’

અહીં તમને જણાવી દઈએ કે, અગાઉ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક વોએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતની બીજી ઇનિંગ પહેલા કહ્યું હતું કે, જો હું પસંદગીકાર હોત તો મેં રોહિત શર્માની સેવાઓ માટે તેનો આભાર માની લીધો હોત અને જસપ્રિત બુમરાહને સિડની ટેસ્ટ માટે કેપ્ટન બનાવ્યો હોત. ઘણા ભારતીય ક્રિકેટરોએ પણ રોહિત શર્માની નિવૃત્તિ વિશે વાત કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવે રોહિત શર્મા પર ક્યારે નિર્ણય લેવામાં આવશે.