કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે પોતાની સત્તાધારી લિબરલ પાર્ટીના ટોચના નેતાનું પદ પણ છોડી દીધું છે. પાર્ટીએ હવે નવા નેતાની પસંદગી કરવાની રહેશે અને જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી જસ્ટિન ટ્રુડો કેનેડાના PM તરીકે યથાવત રહેશે. લાંબા સમયથી કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પોતાના જ પક્ષમાં આંતરિક લડાઈથી ઘેરાયેલા હતા. કેનેડાની કથળતી અર્થવ્યવસ્થાએ પણ PM જસ્ટિન ટ્રુડોના વિરોધીઓને તક આપી હતી.
તાજેતરમાં PM જસ્ટિન ટ્રુડોની કેબિનેટના મંત્રીઓએ રાજીનામા આપવાનું શરૂ કર્યું હતું. PM જસ્ટિન ટ્રુડોને સૌથી મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે DyPM અને નાણા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ કે જેઓ સરકારમાં તેમના નજીકના કહેવાતા હતા, તેમણે પણ રાજીનામું આપી દીધું હતું.
સોમવારે PM જસ્ટિન ટ્રુડોએ પ્રેસ કોન્ફરન્સમાં PM પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે આપેલા ભાષણને લઈને કેનેડાના સ્થાનિક મીડિયામાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આમાં ઘણા અખબારોએ વિદેશ નીતિના મોરચે PM ટ્રુડોની આકરી ટીકા કરી છે અને તેમના પર ભારત સાથે સંબંધો બગાડવાનો આરોપ લગાવ્યો છે.
ત્યાંના એક સ્થાનિક સમાચારપત્રમાં પ્રકાશિત થયેલા એક લેખમાં પ્રોફેસર ટર્નર બલ લખે છે કે, PM જસ્ટિન ટ્રુડોએ સરકાર અને તેમની પરંપરા પરથી નિયંત્રણ ગુમાવ્યું છે. આવું એટલા માટે થયું, કારણ કે તેઓ સ્વીકારવા માંગતા ન હતા કે તેમની સરકાર આગામી ચૂંટણીમાં હાર તરફ આગળ વધી રહી છે.
લેખમાં PM જસ્ટિન ટ્રુડો વિશે કહેવામાં આવ્યું હતું કે, સત્તામાં આવ્યા પછી તેમણે જે કહ્યું, તે માત્ર દેશમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યોગ્ય રીતે પૂર્ણ કરી શક્યા નથી.
2015માં જ્યારે PM જસ્ટિન ટ્રુડો સત્તામાં આવ્યા ત્યારે તેમણે UN સિક્યુરિટી કાઉન્સિલમાં સ્થાન ન આપવા બદલ પૂર્વ PM સ્ટીફન હાર્પરની આકરી ટીકા કરી હતી, પરંતુ તેઓ પોતે પણ આ મામલે કંઈ કરી શક્યા ન હતા. વિરોધીઓએ ચીન અંગે પણ PM ટ્રુડોની વિદેશ નીતિને બિનઅનુભવી ગણાવી હતી. તેમણે કહ્યું કે, PM ટ્રુડો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની કેનેડિયન વિરોધી અને આક્રમક વિદેશ નીતિને સમજવામાં નિષ્ફળ ગયા.
અખબારે લખ્યું છે કે, ‘વર્ષ 2018માં ટ્રુડોની ભારતની સત્તાવાર મુલાકાતની પણ ખૂબ ચર્ચા થઈ હતી જ્યારે તેઓ ઘણા દિવસો સુધી ભારતમાં ફર્યા હતા અને ભારતીય કપડા પહેરીને તેમના પરિવાર સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા પણ જોવા મળ્યા હતા. PM ટ્રુડોની ભારતની આ મુલાકાત દરમિયાન તેમની જે અવગણના કરવામાં આવી હતી, જેને આંતરરાષ્ટ્રીય મીડિયામાં શરમજનક ગણાવવામાં આવી હતી.’
PM ટ્રુડો કેનેડામાં ખાલિસ્તાનીઓને સમર્થન આપી રહ્યા છે, જેના વિશે ભારત સરકાર સતત વાંધો ઉઠાવી રહી છે.
લેખમાં કહેવામાં આવ્યું છે કે, PM ટ્રુડોના કાર્યકાળ દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીન સાથે કેનેડાના સંબંધો સતત બગડ્યા છે. થોડા વર્ષો પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કેનેડા સાથે મોટી ડીલ કરવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ કેનેડામાં ટેક કંપની Huaweiની મહિલા એક્ઝિક્યુટિવની ધરપકડ બાદ આ ડીલ થઈ શકી ન હતી.
તેવી જ રીતે, કેનેડાએ પણ ભારત પર તેની આંતરિક બાબતોમાં દખલગીરીનો આરોપ લગાવીને સંબંધો બગાડ્યા હતા. બંને દેશો વચ્ચેના સંબંધો એટલા બગડ્યા કે, ભારત અને ચીને રાજધાની ઓટ્ટાવાથી પોતાના રાજદ્વારી અધિકારીઓને પણ પાછા બોલાવી લીધા છે.
રાજકીય વિશ્લેષક તાશા ખૈરિદ્દીનનો એક લેખ કેનેડાના સ્થાનિક અખબાર નેશનલ પોસ્ટમાં પ્રકાશિત થયો છે, જેમાં તેમણે રાજીનામાના સમયે PM ટ્રુડોના ભાષણ પર સવાલો ઉઠાવ્યા છે. તાશા કહે છે કે, PM ટ્રુડોએ રાજીનામું તો આપી દીધું છે, પરંતુ કોને ખબર કે, તેની પાછળનો તેમનો ઇરાદો આગળ પણ સત્તામાં રહેવાનો હોઈ શકે છે.
રાજકીય વિશ્લેષક તાશા આગળ લખે છે કે, જે રીતે PM જસ્ટિન ટ્રુડોએ ભાષણ આપ્યું છે અને ગવર્નરને 24 માર્ચ સુધી સંસદ સ્થગિત કરવાનું કહ્યું છે, તેનાથી લાગે છે કે તેમણે પોતાની પાર્ટી અને વિપક્ષને ફરી એકઠા થવાનો સમય આપ્યો છે અને મતદારોને ફસાવ્યા છે. હવે આગામી અઢી મહિના સુધી અવિશ્વાસનો મત અને ચૂંટણીની કોઈ શક્યતા નહીં રહે. તાશાએ કહ્યું કે એ પણ સંભવ છે કે, આગળના સમયે ચૂંટણીઓ થશે અને PM જસ્ટિન ટ્રુડો સત્તામાં બન્યા રહેશે.
તાશાએ લેખમાં આગળ કહ્યું કે, PM ટ્રુડોનું સત્તામાંથી બહાર નીકળવું તેની ભૂલ નથી પરંતુ પાર્ટીના નેતાઓની ભૂલ છે, કારણ કે PM ટ્રુડોએ તેમની સમસ્યાઓને સંપૂર્ણ રીતે પક્ષ અને અન્ય લોકો પર ઢોળી દીધી છે. લેખમાં આગળ કહેવામાં આવ્યું છે કે, PM ટ્રુડોએ ભાષણમાં પોતાને ફાઇટર ગણાવ્યા અને કહ્યું કે, તે સ્પષ્ટ થઈ ગયું છે કે હવે તેમને આંતરિક લડાઈ લડવી પડશે. આ પછી તેમણે પોતાના ભાષણમાં પૂર્વ નાણામંત્રી ફ્રીલેન્ડ અને અન્ય પક્ષો પર પણ આરોપ લગાવ્યા હતા.
સ્થાનિક અખબારમાં પ્રકાશિત થયેલા PM જસ્ટિન ટ્રુડો વિશેના લેખમાં, ઓટાવા સ્થિત કોમ્યુનિકેશન પ્રોફેશનલ ક્રેગ સ્ટેનબર્ગ કહે છે, ‘તેમનું ભાષણ બહુ સારું નહોતું. પરંતુ મને લાગે છે કે તેમણે જે કરવું હતું તે જ તેમણે કર્યું. દેખીતી રીતે તે આ નિર્ણય ઇચ્છતા ન હતા, પરંતુ હું માનું છું કે આ તેમની રાજકીય ચતુરાઈ છે કે, તેમના અનુગામી ગમે તે હોય, તેમણે ખરેખર તેમના પર કોઈ બોજ નાખ્યો નથી.’
નેશનલ સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ અને એટલાન્ટિક કેનેડાના વાઇસ પ્રેસિડેન્ટ ડેવિડ ટેરેન્ટે લેખમાં કહ્યું કે, PM ટ્રુડો હવે લોકપ્રિય નેતા નથી. PM ટ્રુડોના ભાષણમાં તેમણે લીધેલા કોઈપણ નિર્ણયો વિશે કોઈ પસ્તાવો કે વિનમ્રતા ન હતી, જેના કારણે આ કટોકટી સર્જાઈ. પોતાના ભાષણમાં તેઓ માત્ર એટલું જ કહેવા માંગતા હતા કે, તેઓ એક ફાઇટર છે અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કેટલા મહાન કાર્યો કર્યા છે.