fbpx

વીકમાં 90 કલાક કામ કરવાની ચર્ચા, આ ભાઈ કહે- હું તો 100 કલાક કામ કરું છું પણ…

પીઢ અબજોપતિ નારાયણ મૂર્તિના અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના નિવેદન અને હવે લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેનના અઠવાડિયામાં 90 કલાક કામ કરવાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અઠવાડિયામાં 90 કલાક કામ કરવાના તેમના નિવેદન બાદ L&Tના ચેરમેન S.N. સુબ્રમણ્યમને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે. લોકો માને છે કે, જો આપણે અઠવાડિયામાં 90 કલાક કામ કરીશું, તો ઘરકામ કે અન્ય કામ માટે આપણી પાસે સમય કેવી રીતે બચશે? આ ચર્ચામાં અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. આ દરમિયાન, કેપિટલમાઇન્ડના સ્થાપક અને CEO દીપક શેનોય, ઉત્પાદકતા અને કાર્ય-જીવન સંતુલન પર પોતાના વિચારો શેર કર્યા છે.

શેનોયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ઉદ્યોગપતિ તરીકે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે, તેઓ ઘણીવાર અઠવાડિયામાં 100 કલાકથી પણ વધુ કામ કરે છે, પરંતુ વાસ્તવિક કામ ઘણીવાર દિવસમાં ફક્ત 4-5 કલાકમાં જ પૂરું થઈ જાય છે. તેમની પોસ્ટ સૂચવે છે કે, તે કામ કરેલા કલાકોની સંખ્યા વિશે નથી, પરંતુ તે કલાકો દરમિયાન કેટલી તીવ્રતા અને ધ્યાન કેન્દ્રિત કર્યું તે વિશે છે.

શેનોયે કામના કલાકો લાગુ કરવાની પરંપરાગત ધારણાને પણ પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે, પ્રેરિત વ્યક્તિઓ કડક સમયમર્યાદાની જરૂર વગર સ્વાભાવિક રીતે સખત મહેનત કરશે.

શેનોયે X પરની તેમની પોસ્ટમાં લખ્યું છે, ‘મેં કદાચ મારી કારકિર્દી દરમિયાન અઠવાડિયામાં 100 કલાક કામ કર્યું હશે, પરંતુ તેમાંથી મોટાભાગનું કામ એક ઉદ્યોગપતિ તરીકે કર્યું હતું. તમારે કામના કલાકો લાદવાની જરૂર નથી, જે લોકો પ્રેરિત છે, તેઓ ખુશીથી કામ કરશે. કોઈ પણ સંજોગોમાં, મોટાભાગનું વાસ્તવિક કામ દિવસમાં 4-5 કલાકમાં જ થઇ જાય છે, પરંતુ તે ક્યારે થાય છે તે તમને ખબર નથી.’

તેમણે આગળ કહ્યું, ‘મને હજુ પણ મીટિંગ્સને કામ કહેવું મુશ્કેલ લાગે છે, પરંતુ હું જેને કામ કહું છું તેના કરતાં તેમાં વધુ ઊર્જા લાગે છે. અમુક હદ સુધી આ કાર્ય 10 કલાકનો તર્ક મારી સમજની બહાર છે. જ્યારે હું રમું છું, ત્યારે હું ફક્ત રમ્યા જ કરું છું. જ્યારે હું કામ કરું છું, ત્યારે હું સખત રીતે કામ કરું છું.’

કેટલાક ઉદ્યોગ જગતના નેતાઓએ અઠવાડિયામાં 80-90 કલાક કામ કરવાના વિચારને ટેકો આપ્યો હતો, ત્યારે અન્ય લોકોએ 90-કલાકના કાર્ય સપ્તાહના ખ્યાલ પર ચિંતા વ્યક્ત કરી હતી. RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોયેન્કાએ X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, અઠવાડિયામાં 90 કલાક? રવિવારનું નામ બદલીને ‘સન-ડ્યુટી’ કેમ ન રાખવું અને ‘રજાના દિવસને’ એક પૌરાણિક ખ્યાલ કેમ ન બનાવવામાં આવે? હું સખત અને સ્માર્ટ કામ કરવામાં માનું છું, પણ જીવનને કાયમી ઓફિસ શિફ્ટમાં ફેરવી દેવું? આ સફળતાનો ઉપાય નથી, પણ થાક માટેનો ઉપાય છે.

એક મીટિંગ દરમિયાન, L&Tના ચેરમેન સુબ્રમણ્યમને ફરજિયાત કાર્ય દિવસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘સાચું કહું તો, મને દુઃખ છે કે હું તમારી પાસે રવિવારે પણ કામ કરાવી શકતો નથી. જો હું તમારી પાસે રવિવારે પણ કામ કરાવી શકું, તો મને વધારે આનંદ મળશે, કારણ કે હું રવિવારે પણ કામ કરું છું.’ તેમણે આગળ કહ્યું કે, તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને ક્યાં સુધી જોઈ શકો છો? પત્ની પોતાના પતિને કેટલો સમય જોઈ શકે છે? ઓફિસ જાઓ અને કામ શરૂ કરો.’ તેમના આ નિવેદન પછી, સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Leave a Reply