મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત પછી, CM દેવેન્દ્ર ફડણવીસની BJP સંપૂર્ણ ફોર્મમાં છે. આ સમયે, CM ફડણવીસનો પાર્ટી અને સરકાર બંનેમાં સંપૂર્ણ પ્રભાવ છે. આવી સ્થિતિમાં, તેમણે ભવિષ્યમાં પક્ષને વધુ મજબૂત બનાવવાની જવાબદારી પણ પોતાના પર લીધી છે. તેમણે રાજકીય રીતે જટિલ રાજ્ય મહારાષ્ટ્રમાં તમામ વર્ગો અને જૂથોને સંતોષવા માટે કોઈથી પણ તોડી ન શકાય તેવી એક ફોર્મ્યુલા બનાવી છે. આ ફોર્મ્યુલાથી માત્ર વિપક્ષ કોંગ્રેસ પક્ષ જ નહીં, પરંતુ BJPના સાથી પક્ષોએ પણ હથિયાર નીચે મૂકી દીધા છે.
CM દેવેન્દ્ર ફડણવીસની BJPએ રાજ્યમાં કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. શનિવારે શિરડીમાં BJP સંમેલનની પૂર્વસંધ્યાએ, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ રવિન્દ્ર ચવ્હાણને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી ચંદ્રશેખર બાવનકુલે પ્રમુખ પદ પર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, રવિન્દ્ર ચવ્હાણ BJPના આગામી પ્રદેશ પ્રમુખ હશે. શિરડી પરિષદમાં તેમના નામની સત્તાવાર જાહેરાત થશે તેવી અપેક્ષા હતી. પરંતુ હાલમાં તેમને BJPના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BJP પ્રમુખની ચૂંટણી માર્ચમાં થઇ જશે.
અગાઉ BJP પક્ષ સંગઠનમાં કાર્યકારી પ્રમુખનું પદ અસ્તિત્વમાં નહોતું. રવિન્દ્ર ચવ્હાણને સૌપ્રથમ સંગઠન નિર્માણનું કામ સોંપવામાં આવ્યું હતું અને તેમને સંગઠનના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ પછી, કાર્યકારી પ્રમુખની નવી જવાબદારી સોંપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી ચંદ્રશેખર બાવનકુલે પ્રદેશ પ્રમુખ રહેશે.
રવિન્દ્ર ચવ્હાણ CM દેવેન્દ્ર ફડણવીસના પ્રિય નેતા તરીકે જાણીતા છે. ચવ્હાણ મૂળ કોંકણના છે, પરંતુ તેઓ ડોમ્બિવલી મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તે એક મોટો મરાઠા ચહેરો છે. તેઓ શરૂઆતથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. તેઓ ભૂતકાળમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. જ્યારે CM દેવેન્દ્ર ફડણવીસની નવી સરકારમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, ત્યારે અટકળો શરૂ થઈ ગઈ હતી કે, તેમને સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. ડોમ્બિવલીના ધારાસભ્ય ચવ્હાણ 54 વર્ષના છે. તેઓ 2009થી ડોમ્બિવલીથી ચૂંટણી જીતી રહ્યા છે.
ચવ્હાણની નિમણૂકને રાજ્યના પ્રભાવશાળી મરાઠા સમુદાયને આકર્ષવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં, આ સમુદાયે મરાઠા અનામતના મુદ્દા પર BJPથી, ખાસ કરીને CM દેવેન્દ્ર ફડણવીસથી પોતાને દૂર રાખ્યા હતા. પરંતુ સંઘના પ્રયાસોને કારણે, તેણે વિધાનસભા ચૂંટણીમાં BJPને ટેકો આપ્યો. DyCM એકનાથ શિંદે પણ મહાયુતિમાં મરાઠા સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં, BJP વિધાનસભા ચૂંટણીમાં મરાઠા સમુદાયને મળેલા સમર્થનના બદલામાં તેમને યોગ્ય મહત્વ આપવાની રણનીતિ અપનાવી રહી છે. ચવ્હાણની આ નિમણૂક સાથે, BJPએ રાજ્યના ત્રણ પ્રભાવશાળી વર્ગો, બ્રાહ્મણ, OBC અને મરાઠાને ખુશ કરવાની રણનીતિ બનાવી છે. CM દેવેન્દ્ર ફડણવીસ પોતે બ્રાહ્મણ છે, જ્યારે પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે OBCમાંથી આવે છે. હવે ચવ્હાણને કાર્યકારી પ્રમુખ બનાવીને, પાર્ટીએ મરાઠા સમુદાયને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, તે તેમને પણ વિશેષ મહત્વ આપે છે.