તમે ઘણા લગ્નો જોયા હશે, પરંતુ શું તમને ક્યારેય એવા લગ્નમાં હાજરી આપવાનો મોકો મળ્યો છે જ્યાં આમંત્રણ પત્રની સાથે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે તમારે કઈ ભેટ લાવવી? જો નહીં, તો તમે અહીં વાંચો કે મધ્યપ્રદેશના ઇન્દોરમાં તાજેતરમાં યોજાયેલા એક લગ્નમાં આવું જ કંઈક બન્યું, કે જેનાથી તમે આશ્ચર્ય ચકિત થઇ જશો, મહેમાનોને આમંત્રણ આપતી વખતે પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે કોઈ પરંપરાગત ભેટ ન લાવવી અને જો તેઓ લાવવા જ ઇચ્છે છે તો શું લાવવું. ત્યારે મહેમાનો લગ્નમાં આવી જ કંઇક ભેટો લઈને પહોંચ્યા, ત્યારે જોનારા સ્તબ્ધ થઈ ગયા.
ઇન્દોરમાં થયેલા આ લગ્ને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાં હાજર ન હોય તેવા હજારો લોકોએ પણ આ લગ્નને આશીર્વાદ આપ્યા. હકીકતમાં, તાજેતરમાં ઇન્દોર બાયપાસ પર આવેલા ભંડારી ફાર્મ હાઉસમાં એક અલગ જ દૃશ્ય જોવા મળ્યું. લગ્નની પાર્ટી માટે મહેમાનો અહીં આવી રહ્યા હતા. હાથમાં મોટી મોટી બેગ હતી. કન્યા અને વરરાજાને આશીર્વાદ આપતા પહેલા, મહેમાનો સ્ટેજ પાસેના કાઉન્ટર પર જઈ રહ્યા હતા. ત્યાં બેગ જમા થઈ રહી હતી. જ્યારે સ્થાનિક મીડિયા ને આ વાતની ખબર પડી કે બેગમાં શું હતું? તો મીડિયાના લોકો પણ તે જોઈને સ્તબ્ધ થઈ ગયા. બેગમાં જૂના કપડાં હતા.
ઇન્દોરના હૃદય રોગ નિષ્ણાત ડૉ. ભરત રાવતની પુત્રી કાવ્યાના લગ્ન હતા. જેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમને અગાઉથી કહેવામાં આવ્યું હતું કે, તેઓ વરરાજા અને કન્યાને પરંપરાગત ભેટ ન આપે. જો તમારી પાસે એવા કપડાં છે જે તમે ઉપયોગમાં નથી લેતા, તો તેમને સાથે લાવો. અહીં એક NGO કાઉન્ટર હશે. તેમને આપો. તેઓ તેને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે. અહીં NGO BWise સોશિયલ વેલ્ફેર સોસાયટીનું એક કાઉન્ટર બનાવવામાં આવ્યું હતું. મહેમાનોએ પોતાના જૂના કપડાં ત્યાં જમા કરાવ્યા.
NGO BWiseના ડૉ. શ્રુતિ શ્રોફે જણાવ્યું હતું કે, આમ તો આ લગ્નમાંથી એકત્રિત થયેલી સામગ્રી તમામ જરૂરિયાતમંદ વસાહતોમાં વહેંચવામાં આવશે. પરંતુ આ પહેલા, કઈ વસાહતોમાં લોકોને કઈ વસ્તુઓની જરૂર છે તે જાણવા માટે ઘણા પ્રકારના સંશોધન કરવામાં આવશે. કારણ કે, આ સામાનમાં ફક્ત કપડાં અને ઘર સજાવટની વસ્તુઓ જ નથી, પરંતુ તેમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ છે. જે બાળકોને શિક્ષણમાં અને યુવાનોને કારકિર્દીમાં મદદ કરશે. ડૉ. ભરત રાવતની પુત્રી કાવ્યા અને વિનમ્ર ગેહલોતના આ લગ્ન ફક્ત ઇન્દોરના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, લગ્નના આમંત્રણ પત્રમાં મહેમાનોને પહેલાથી જ જાણ કરવામાં આવી હતી કે તેઓ કોઈ ભેટ ન લાવે પરંતુ ફક્ત ઘરમાં રાખેલી વધારાની વસ્તુઓ જ લાવે. આવી સ્થિતિમાં, બધાએ સહકાર આપ્યો. લગ્ન એક ડૉક્ટરના ઘરે હતા, તેથી દેખીતી રીતે મોટાભાગે ડૉક્ટરો જ લગ્નમાં આવ્યા હતા. તે બધી નકામી વસ્તુઓ લઈને અહીં પહોંચ્યા અને કાઉન્ટર પર જમા કરાવી. લગ્ન દ્વારા તેમને કંઈક શીખવા મળ્યું અને તે કોઈને ઉપયોગી થયું તે જાણીને બધાને રાહત થઈ. એટલું જ નહીં, લગ્નમાં લોકોએ વરરાજા અને કન્યાને ભેટ તરીકે જે પણ પૈસા આપ્યા હશે, તે પૈસાને પણ વસાહતની દીકરીઓના લગ્નમાં ખર્ચવામાં આવશે.
અહીં આવેલા મહેમાનોએ કહ્યું કે લગ્નમાં ધાંધલ-ધમાલને બદલે દાન-પુણ્યને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું અને તે સરસ રહ્યું. દવિશ જૈને કહ્યું કે, આ લગ્ન પોતે ખૂબ જ ખાસ છે, જે સમાજને એક નવી દિશા આપી રહ્યા છે. MGM મેડિકલ કોલેજના ભૂતપૂર્વ ડીન ડૉ. સંજય દીક્ષિતે જણાવ્યું હતું કે, ડૉ. રાવતની વિચારસરણી પ્રશંસનીય છે, જેમાં દરેકને સમાન દરજ્જો મળ્યો હતો. ડૉ. અરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, લાખો લગ્ન થાય છે અને લાખોની ભેટો પણ આપવામાં આવે છે, પરંતુ આ પહેલી વાર બનશે જ્યારે આ ભેટો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવશે, તે આ નવપરિણીત યુગલોને આશીર્વાદ પણ આપશે.
આ કાર્યક્રમની બીજી ખાસિયત એ હતી કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્વચ્છતા માર્ગદર્શિકા અનુસાર, તેને કચરો મુક્ત જીરો વેસ્ટનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. આ માટે ડૉ. જનક પલટા અને ઉદ્યોગપતિ વિનોદ અગ્રવાલે પરિવારને પ્રમાણપત્ર પણ આપ્યું. જ્યારે BWise સંસ્થાએ મહેમાનો દ્વારા લાવવામાં આવેલ સામાન એકત્ર કર્યો, ત્યારે સ્વાહાની મોબાઇલ વાન આકર્ષણનું કેન્દ્ર રહી. ઇન્દોરમાં સ્વાહા સ્ટાર્ટ-અપ ઇવેન્ટ્સને ઝીરો વેસ્ટ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કામ કરે છે.