

ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. શેખ મુજીબુર રહેમાનની મૂર્તિઓ તોડી પાડવામાં આવી છે અને તેમના ઘરને પણ બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. તેમની જન્મજયંતિ અને પુણ્યતિથિ પરની રજાઓ હવે બંધ કરી દેવામાં આવી છે, જ્યારે ઇસ્લામિક દળો ત્યાંના વાતાવરણને બદલવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. 1971ના યુદ્ધ, જેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું, તેના પર પણ હવે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશની રચના બંગાળી ભાષા અને સંસ્કૃતિના આધારે થઈ હતી, જેના કારણે એવું કહેવામાં આવતું હતું કે, સંયુક્ત પાકિસ્તાનમાં જુલમ હતો. હવે ઇસ્લામિક એકતાના નામે તે સમગ્ર યુદ્ધને ખોટું સાબિત કરવામાં આવી રહ્યું છે.


જમાત-એ-ઇસ્લામીની વિદ્યાર્થી પાંખ, છાત્ર શિબિરના મુખપત્ર, છાત્ર સંવાદમાં પણ આવો જ એક લેખ પ્રકાશિત થયો છે. લેખમાં કહેવામાં આવ્યું હતું કે, ‘કેટલાક મુસ્લિમો વિચાર્યા વિના 1971ના લોહિયાળ યુદ્ધમાં કૂદી પડ્યા. આના શું પરિણામો આવશે તે વિશે તેઓએ વિચાર્યું પણ ન હતું. 1971નું યુદ્ધ તેમની દૂરંદેશીના અભાવને કારણે થયું. અલ્લાહ તેમને માફ કરે.’ જમાત-એ-ઇસ્લામીના આ અભિપ્રાય પર હોબાળો થયો, અને પછી મેગેઝિનને જ પાછું ખેંચી લેવામાં આવ્યું. હવે આ મેગેઝિન ઓનલાઈન કે ઓફલાઈન ઉપલબ્ધ નથી, પરંતુ શેખ હસીનાના ગયા પછી સત્તામાં આવેલા લોકોનું ચરિત્ર ચોક્કસપણે બહાર આવ્યું છે. ભલે લેખ અને મેગેઝિનને પાછા ખેંચી લેવામાં આવ્યા હોય, પણ એ સ્પષ્ટ છે કે આ કોઈ ભૂલ નહોતી.

મેગેઝિનના સંપાદકો કહે છે કે, આ લેખ વાંચ્યા વિના પણ છાપવામાં આવ્યો હતો. આ કારણે આ ભૂલ થઈ, પરંતુ જમાત-એ-ઇસ્લામીના ઇતિહાસને ધ્યાનમાં લેતા, આ વાત માનવી મુશ્કેલ છે. જમાત-એ-ઇસ્લામી એ સંગઠન છે જેણે 1971માં પણ પાકિસ્તાન સેનાને જ ટેકો આપ્યો હતો. તેમણે અલગ રાષ્ટ્રનો વિરોધ કર્યો હતો. પછી જ્યારે 1971ના યુદ્ધના પરિણામે બાંગ્લાદેશની રચના થઈ, ત્યારે ઇસ્લામિક વિદ્યાર્થી સંઘનું વિસર્જન કરવામાં આવ્યું. આ પછી, તે 1977માં છાત્ર શિબિર તરીકે ફરીથી અસ્તિત્વમાં આવ્યું. જમાત અને તેની વિદ્યાર્થી પાંખ પર લોકોની ઉપર અત્યાચાર કરવાનો આરોપ લાગતા રહ્યા છે. 1971ના યુદ્ધ દરમિયાન, તેના પર પાકિસ્તાન સેના, રઝાકર, અલ-બદ્ર અને અલ-શામ સશસ્ત્ર જૂથોને ટેકો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેમના મંતવ્યને હળવાશથી ન લઈ શકાય. ભલે મેગેઝિન પાછું ખેંચી લેવામાં આવ્યું હોય, પણ જમાતના ઇરાદા સ્પષ્ટ થઈ ગયા છે.

નિષ્ણાતો કહે છે કે, જમાત-એ-ઇસ્લામી જેવા સંગઠનો હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, બાંગ્લાદેશમાં તેમના કટ્ટરપંથી ઇસ્લામિક એજન્ડાને કેટલી હદ સુધી લાગુ કરી શકાય છે. આ પ્રયાસના ભાગ રૂપે, આવો જ એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો. 1971માં પોતાની ભૂમિકા માટે ટીકાનો ભોગ બનેલી જમાત-એ-ઇસ્લામી હંમેશા અખંડ પાકિસ્તાનની વાત કરતી આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશ સેનાના અધિકારીઓ છેલ્લા એક મહિનામાં બે વાર પાકિસ્તાન જઈ ચુક્યા છે. એટલું જ નહીં, મોહમ્મદ યુનુસ અને શાહબાઝ શરીફ પણ મળી ચુક્યા છે. એરપોર્ટ પર પાકિસ્તાનીઓની શારીરિક તપાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારના ઘણા નિર્ણયો છે જે અનેક સવાલો ઉભા કરે છે.


