

EVM સંબંધિત એક અરજીની સુનાવણી કરતી વખતે, દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને પૂછ્યું કે, ચૂંટણી પૂર્ણ થયા પછી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા શું છે?

આ અરજી દેશમાં ચૂંટણી સુધારા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં EVMની મેમરી ભૂંસી નાખવા માટે નીતિ ઘડવાના નિર્દેશોની માંગ કરવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, ‘હાલ માટે, EVMમાંથી કોઈપણ ડેટા ડિલીટ કે રીલોડ કરશો નહીં. ચૂંટણી પંચે ચૂંટણી પછી EVM મેમરી અને માઇક્રોકન્ટ્રોલરના બર્નિંગ પ્રક્રિયા વિશે કોર્ટને જાણ કરવી પડશે.’

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘તે પ્રતિકૂળ નથી.’ તેમણે કહ્યું, ‘જો હારેલા ઉમેદવાર સ્પષ્ટતા માંગે છે, તો એન્જિનિયર સ્પષ્ટતા આપી શકે છે કે કોઈ છેડછાડ થઈ નથી. આ અંગે સુનાવણી 3 માર્ચથી શરૂ થતા અઠવાડિયામાં યોજાશે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે EVMની ડીલીટ કરેલી મેમરી અને માઇક્રોકન્ટ્રોલરની ચકાસણી એન્જિનિયર દ્વારા કરવામાં આવે જેથી ખાતરી થાય કે EVM સાથે છેડછાડ કરવામાં આવી નથી.’
સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, BEL (ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ)ના એન્જિનિયરોએ EVMમાં ડમી સિમ્બોલ અને ડેટા લોડ કર્યા હતા અને મૂળ મશીનનો ડેટા ક્લિયર કરવામાં આવ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે પરિણામો પર શંકા હોય તો EVM ચકાસવા માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરતી PIL પર સુનાવણી કરી હતી. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR), હરિયાણા કોંગ્રેસના નેતા સર્વ મિત્તલ, કરણ સિંહ દલાલ અને અન્યો દ્વારા દાખલ કરાયેલી અરજીઓમાં EVM ઘટકોની મૂળ ડીલીટ થઇ ગયેલી મેમરી/માઈક્રોકન્ટ્રોલરની તપાસ માટે નીતિ ઘડવા માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી, જોકે, સુપ્રીમ કોર્ટે હરિયાણા કોંગ્રેસના નેતા કરણ સિંહ દલાલની અરજી ફગાવી દીધી હતી.

CJI ખન્નાએ ચૂંટણી પંચના વકીલ એડવોકેટ મનિન્દર સિંહને જણાવ્યું હતું કે, એપ્રિલ 2024માં ADR વિરુદ્ધ ચૂંટણી પંચ કેસમાં આપેલા ચુકાદાનો અર્થ એ નથી કે, ચૂંટણી ડેટા EVMમાંથી કાઢી નાખવામાં આવે અથવા ફરીથી લોડ કરવામાં આવે. તે નિર્ણયનો હેતુ એ હતો કે ચૂંટણી પછી, EVM ઉત્પાદક કંપનીનો એક એન્જિનિયર મશીન તપાસી શકે અને તેની ચકાસણી કરી શકે.


