

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલ ફોર્મમાં પાછો ફર્યો છે અને તેણે ઇંગ્લેન્ડ સામેની ODI સીરિઝમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેના બેટમાંથી ઘણા રન આવી રહ્યા છે. તે વનડે સીરિઝમાં ભારતીય ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો છે અને તેણે ઇંગ્લેન્ડના બોલરોને હંફાવી દીધા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું ફોર્મમાં વાપસી કરવું ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત છે.


શુભમન ગિલે ફટકારી જોરદાર સદી
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં શુભમન ગિલે ઇનિંગની શરૂઆતથી જ શાનદાર બેટિંગ કરી. તેણે 102 બોલમાં 112 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 03 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે પોતાની વનડે કારકિર્દીની સાતમી સદી ફટકારી. ખાસ વાત એ છે કે ગિલના વનડે કારકિર્દીનો આ 50મો વનડે મેચ હતો અને તે પોતાના 50મા વનડેમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો. તેના પહેલા કોઈ પણ ભારતીય બેટ્સમેન આ કરી શક્યો નથી.
ભારતીય ટીમ માટે ફટકારી છે બેવડી સદી
શુભમન ગિલે ભારતીય ટીમ માટે 2020 માં ODI ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે ટીમ ઈન્ડિયાના બેટિંગ ક્રમમાં એક મહત્વપૂર્ણ કડી બની ગયો. તેણે વર્ષ 2023 માં ન્યુઝીલેન્ડ સામેની ODI મેચમાં પણ બેવડી સદી ફટકારી હતી. આ પછી, તે સતત ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો છે. અત્યાર સુધીમાં, તેણે ટીમ ઈન્ડિયા માટે 50 ODI મેચોમાં કુલ 2587 રન બનાવ્યા છે, જેમાં તેણે 7 સદી અને 15 અડધી સદી ફટકારી છે.

શિખર ધવનનો તૂટી ગયો રેકોર્ડ
શુભમન ગિલ વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર બેટ્સમેન પણ છે. તેણે 50 ઇનિંગ્સમાં પણ આ કરી બતાવ્યું છે. આ ઉપરાંત, ગિલ 7 ODI સદી ફટકારવા માટે સૌથી ઓછી ઇનિંગ્સ રમનાર ભારતીય બેટ્સમેન પણ છે. તેણે શિખર ધવનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ધવને 54 વનડે ઇનિંગ્સમાં 7 સદી ફટકારી હતી.
7 ODI સદી ફટકારવા માટે સૌથી ઓછી ઇનિંગ્સ રમનાર ભારતીય બેટ્સમેનઃ
શુભમન ગિલ-50
શિખર ધવન-54
વિરાટ કોહલી-63
કેએલ રાહુલ-66


