

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી ચાર વર્ષ તૃણમૂલ કોંગ્રેસમાં રહ્યા પછી બુધવારે કોંગ્રેસમાં ફરી જોડાયા. કોલકાતામાં કોંગ્રેસના રાજ્ય મુખ્યાલયમાં પશ્ચિમ બંગાળમાં પાર્ટી બાબતોના પ્રભારી મહાસચિવ અને જમ્મુ અને કાશ્મીરના ધારાસભ્ય ગુલામ અહેમદ મીરની હાજરીમાં ભૂતપૂર્વ લોકસભા સભ્ય અભિજીત મુખર્જીને પાર્ટી સભ્યપદ આપવામાં આવ્યું.

કોંગ્રેસના રાષ્ટ્રીય અને રાજ્ય નેતૃત્વ દ્વારા પાર્ટીનો ધ્વજ સોંપવામાં આવ્યા પછી, મુખર્જીએ પત્રકારોને કહ્યું, ‘કોંગ્રેસ અને રાજકારણમાં આ મારો બીજો જન્મદિવસ છે.’ કોંગ્રેસમાં જોડાયા પછી, તેમણે કહ્યું કે, TMCમાં જોડાવું એ તેમની રાજકીય ભૂલ હતી. અભિજીતે કહ્યું, ‘મને જે પણ કામ આપવામાં આવશે, હું તે કરીશ.’ તેમણે વધુમાં કહ્યું કે, આ સિવાય, હું દરેક જગ્યાએ જઈશ અને કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં જોડાયેલા લોકોને પાછા લાવવાનું કામ કરીશ.

અભિજીત મુખર્જીએ કહ્યું કે, તેમણે ગયા વર્ષે જૂનમાં કોંગ્રેસમાં ફરી જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓને કારણે હવે તે હમણાં થઇ શક્યું. જુલાઈ 2021માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાના ચાર વર્ષ પછી તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શુભંકર સરકારે કહ્યું કે, પશ્ચિમ બંગાળના લોકો માટે લડવા માટે પાર્ટીના રાજ્ય એકમ દ્વારા આ એક મોટું પગલું છે. અભિજીતના ઘરે પાછા ફરવાની ઘટનાને 2026માં બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે.
તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છતાં, અભિજીત મુખર્જી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રાજકારણમાં સક્રિય રીતે સામેલ જોવા મળ્યા ન હતા. એક વખત એવી પણ અફવા હતી કે, તેઓ 2024માં કોંગ્રેસમાં પાછા ફરશે. પણ આખરે આ બન્યું નહીં. જોકે, થોડા દિવસોમાં જ અભિજીતના કોંગ્રેસમાં પાછા ફરવાની અટકળો ફરી શરૂ થઈ ગઈ.

અભિજીત મુખર્જીએ 2012માં કોંગ્રેસની ટિકિટ પર જાંગીપુર લોકસભા પેટાચૂંટણી જીતી હતી, જ્યારે તેમના પિતા પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. પ્રણવ મુખર્જીએ અગાઉ કોંગ્રેસના મંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં અનેક મુખ્ય મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. અભિજીત મુખર્જીએ પણ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ જ મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. પ્રણવ મુખર્જીનું 2020માં અવસાન થયું.
અભિજીતની જેમ, બહેન શર્મિષ્ઠા મુખર્જી પણ 2014માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે 2015માં દિલ્હીની ગ્રેટર કૈલાશ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ ત્રીજા સ્થાને રહી હતી. શર્મિષ્ઠાએ 2021માં સક્રિય રાજકારણ છોડી દીધું.


