fbpx

ફુગાવો 5 મહિનામાં સૌથી નીચા સ્તરે… આ વસ્તુઓ સસ્તી થઈ

Spread the love

મોંઘવારીના મોરચે લોકો માટે સારા સમાચાર આવ્યા છે. બુધવારે સરકારે છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા, જે રાહત આપનારા છે. હકીકતમાં, જાન્યુઆરીમાં ફુગાવાનો દર ઘટીને 4.31 ટકા થઇ ગયો, જે પાંચ મહિનામાં તેનો સૌથી નીચો સ્તર છે. છૂટક ફુગાવામાં આ ઘટાડો ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓ સસ્તી થવાને કારણે નોંધવામાં આવ્યો છે. અગાઉના મહિનામાં, ડિસેમ્બરમાં, તે 5.22 ટકા હતો. જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં તે 5.1 ટકા રહ્યો હતો.

ખાદ્ય ફુગાવામાં ઘટાડો થવાથી CPI આધારિત છૂટક ફુગાવાના દરમાં ઘટાડો થવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બુધવારે સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં જણાવાયું છે કે, જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવો 6.02 ટકા હતો, જે ડિસેમ્બરના પાછલા મહિનામાં 8.39 ટકા હતો. જ્યારે ગયા વર્ષે જાન્યુઆરીમાં આ આંકડો 8.3 ટકા નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે દેશમાં છૂટક ફુગાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક, લગભગ નજીક આવી ગયો છે, તે છે 2-4 ટકા.

બુધવારે જાહેર કરાયેલા આંકડા નિષ્ણાતો અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા છૂટક ફુગાવા અંગે કરવામાં આવેલા અંદાજ કરતાં વધુ સારા હતા. અહીં તમને જણાવી દઈએ કે, નિષ્ણાતો જાન્યુઆરીમાં છૂટક ફુગાવો 4.5 ટકા રહેવાનો અંદાજ લગાવી રહ્યા હતા. તાજેતરની MPC બેઠક પછી, ગવર્નરે આ ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો દર 4.4 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે.

તાજેતરમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પાંચ વર્ષ પછી રેપો રેટ ઘટાડીને લોન લેનારાઓને મોટી રાહત આપી હતી. આ પછી, હવે મોંઘવારીના મોરચે પણ મોટી રાહત મળી છે. આ સાથે, ફુગાવાનો દર RBI દ્વારા નિર્ધારિત મર્યાદામાં આવ્યા પછી, રેપો રેટમાં વધુ ઘટાડાની આશા વધી ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, તાજેતરના ઘટાડા પછી, રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયો છે.

છૂટક ફુગાવાના ડેટા જાહેર કરવાની સાથે, સરકારે ડિસેમ્બર 2024માં ઔદ્યોગિક ઉત્પાદનનો ડેટા પણ રજૂ કર્યો છે અને તેની ગતિ ધીમી પડીને 3.2 ટકા થઈ ગઈ છે. ખાણકામ અને ઉત્પાદન ક્ષેત્રોના સુસ્ત પ્રદર્શનને કારણે ડિસેમ્બરમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે. એક વર્ષ પહેલા ડિસેમ્બર 2023માં, ઔદ્યોગિક ઉત્પાદનનો આંકડો 4.4 ટકા વધ્યો હતો.

error: Content is protected !!