

ઉત્તર પ્રદેશના લખનઉમાં બુધવારે એક લગ્ન દરમિયાન જે ઘટના બની હતી તેનાથી ખળભળાટ મચી ગયો હતો. વાસ્તવમાં, ફંક્શનની વચ્ચે રાત્રે લગભગ 8 વાગ્યે એક દીપડો ઘૂસ્યો હોવાના સમાચારથી લોકો ડરી ગયા હતા. શહેરના બુદ્ધેશ્વર એમએમ લોન ખાતે યોજાઈ રહેલા આ લગ્નના મહેમાનો દીપડાથી જીવ બચાવવા માટે રસ્તા પર દોડી આવ્યા હતા.
એક વ્યક્તિ તો છત પરથી કૂદી પડ્યો અને ગંભીર રીતે ઘાયલ થયો. ડીએફઓ ડો.સિતાંશુ પાંડે સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ દીપડાને પકડી શકાયો હતો. પરંતુ આ રેસ્ક્યુ પહેલા જે બન્યું તે રૂવાંટા ઊભા થઈ જાય એવું હતું.

ઘટના સ્થળ પર પોલીસ, વન વિભાગની ટીમ અને વહીવટી અધિકારીઓ પહોંચી જતાં પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. લોકોને ધીરજ રાખવા અને વન વિભાગની ટીમને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

મધરાતે શરૂ થયેલ દીપડાના રેસ્ક્યૂમાં અનેક ઘાતક વળાંક આવ્યા હતા. સામે આવેલા વીડિયોમાં જેવી પોલીસ અને વન વિભાગની ટીમ દીપડાને પકડવા આગળ વધે છે ત્યારે દીપડો સામેથી આવીને તેનો પીછો કરતો જોવા મળે છે.
ફોરેસ્ટ કર્મચારીની રાઈફલ છીનવીને પાડી દીધી
આ પછી, તે સૌથી આગળ ચાલી રહેલા એક વન કર્મચારી પર હુમલો કરી દે છે અને તેના હાથમાંથી રાઇફલ છીનવીને પાડી દે છે. એટલામાં કોઈ ફાયર કરે છે, તો દીપડો ડરી જાય છે અને સીડી નીચે ભાગી જાય છે. બચાવ માટે આવેલી ટીમમાંથી કોઈ કહે છે – ‘વાગ્યું છે, તેને ગોળી વાગી છે’. લગભગ 8 કલાક સુધી ચાલેલી આ સંતાકૂકડી બાદ ગુરુવારે સવારે 4 વાગ્યે દીપડો પકડાયો હતો.
છત પરથી કૂદી ગયો એક મહેમાન
લગ્નમાં દીપડાને લઈને થયેલા હંગામા વચ્ચે એક વ્યક્તિએ પોતાનો જીવ બચાવવા માટે લૉનની છત પરથી કૂદી પડ્યો હતો. તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


