
અલ્લાહબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ લગભગ બે મહિના અગાઉ સંસદના પાછલા સત્ર દરમિયાન કેટલાક સાંસદો તરફથી રાજ્યસભાના સભાપતિને મોકલવામાં આવી હતી. ગુરુવારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આ બાબતે વક્તવ્ય આપતા કહ્યું કે માનનીય સભ્યગણ, મને 13 ડિસેમ્બર 2024એ મળેલી એક અદિનાંકિત નોટિસ મળી છે. તેમાં રાજ્યસભાના 55 માનનીય સભ્યોના હસ્તાક્ષર છે.

નોટિસમાં શું છે?
નોટિસમાં બંધારણની કલમ 124 (4) હેઠળ અલ્લાહબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવને પદ પરથી હટાવવાની માગ કરવામાં આવી છે. ગુરુવારે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન, અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે, તેમને જસ્ટિસ યાદવને હટાવવા માટે 55 સભ્યો દ્વારા હસ્તાક્ષરિત નોટિસ મળી છે અને આ નોટિસ તેમની પાસે પેન્ડિંગ છે. બંધારણીય રીતે હાઇકોર્ટના ન્યાયાધીશને હટાવવાની સત્તા રાજ્યસભાના સભાપતિ અને કોઈપણ સ્થિતિમાં સંસદ અને માનનીય રાષ્ટ્રપતિ પાસે છે. સાર્વજનિક રૂપે ઉપલબ્ધ માહિતી અને પ્રાપ્ત ઇનપુટ્સને ધ્યાનમાં રાખતા, તે ઉચિત રહેશે કે રાજ્યસભાના મહાસચિવ આ માહિતી સુપ્રીમ કોર્ટના મહાસચિવ સાથે શેર કરે.
રાજ્યસભાના સભાપતિ દ્વારા આ ટિપ્પણી કર્યા બાદ, આ સાંસદોની નજરે એ વાત પર રહેશે કે કોર્ટ અને રાજ્યસભા તેમની માંગ પર આગળ શું પગલાં લે છે. સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે અલ્લાહબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવ સામે આ નોટિસ આપી હતી. આ નોટિસ જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે આપવામાં આવી છે.

કોંગ્રેસ સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો હતો
પ્રસ્તાવમાં રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ સહિત 55 સાંસદોના હસ્તાક્ષર છે. જેમાં સાંસદ વિવેક તન્ખા, દિગ્વિજય સિંહ, પી. વિલ્સન, જોન બ્રિટાસ અને KTS તુલસી વગેરે સામેલ છે. અલ્લાહબાદ હાઈકોર્ટના જજ દ્વારા આપવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો ગત સત્રમાં રાજ્યસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ અલ્લાહબાદ હાઈકોર્ટના જજ દ્વારા આપવામાં આવેલા વક્તવ્ય પર નિયમ 267 હેઠળ ચર્ચાની માગ કરી હતી. જો કે, અધ્યક્ષે તે સમયે આ વિષય પર ચર્ચા કરવાની મંજૂરી આપી નહોતી.
VHPના કાર્યક્રમમાં આપવામાં આવ્યું નિવેદન
તેમણે કહ્યું હતું કે નિયમ 267 હેઠળ આ અંગે ચર્ચા થઈ શકે નહીં. અધ્યક્ષે કહ્યું કે આ અંગેના નિયમો ખૂબ જ સ્પષ્ટ છે, જે અમારા દ્વારા બનાવવામાં આવ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવે ગયા વર્ષે પ્રયાગરાજમાં આયોજિત વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલના એક કાર્યક્રમમાં કથિત રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ સહિત રાજ્યસભામાં ઘણા વિપક્ષી સાંસદોએ આ નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમાં તેના પર ચર્ચા કરવા માંગતા હતા. પરંતુ, તેને આ માટે પરવાનગી મળી ન હતી.