
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. આ પગલું મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ લેવામાં આવ્યું છે, ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ શાસનને લઈને એક નોટિફિકેશન બહાર પાડી છે. એન બિરેન સિંહના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીની રાહ જોવાઈ રહી હતી, આ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું એવા સમયે આવ્યું હતું જ્યારે કોંગ્રેસ તરફથી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ આવવાનો હતો.

રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરી 2025ના રોજ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને અર્ધલશ્કરી દળના અધિકારીઓએ આજે રાજભવનમાં બેઠક કરી હતી. આ દરમિયાન અધિકારીઓએ તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની તૈનાતી અને પરિચાલન ગતિવિધિઓ બાબતે માહિતી આપી હતી.
રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણય બંધારણના અનુચ્છેદ 356 મુજબ લેવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકાર આ બંધારણની જોગવાઈ મુજબ ચલાવી શકતી નથી. ભાજપના પૂર્વોત્તર પ્રભારી અને સાંસદ સંબિત પાત્રા હાલમાં મણિપુરના પ્રવાસે છે અને બુધવારે (12 ફેબ્રુઆરી 2025) તેઓ 24 કલાકથી ઓછા સમયમાં તેમની સાથે 2 વખત મુલાકાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, વિધાનસભા અધ્યક્ષ સત્યવ્રતને દિલ્હી બોલાવ્યા બાદ, મણિપુરમાં સત્તા પરિવર્તનના સંકેતો મળવા લાગ્યા હતા.

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા અગાઉ એન. બિરેન સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. એન બિરેન સિંહને રાજ્યમાં જાતિ સંઘર્ષને નિપટવાને લઇને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે એન બીરેન સિંહના રાજીનામા બાદ ભાજપ કહી રહી હતી કે રાજ્યમાં કોઈ બંધારણીય કટોકટી નથી અને કેન્દ્રીય નેતૃત્વ ધારાસભ્યોની મદદથી મુદ્દાઓને ઉકેલી લેશે, પરંતુ એવું ન થયું.