
દિલ્હીમાં પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું છતાં, રાહુલ ગાંધી હવે પશ્ચિમ બંગાળમાં પદયાત્રા કરવા જઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટી પહેલાથી જ દિલ્હીના પરિણામો અંગે કોંગ્રેસની આકરી ટીકા કરી ચૂકી છે. દિલ્હીમાં AAPને સત્તા પરથી દૂર કરવા માટે SPએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. એનો અર્થ સ્પષ્ટ છે કે, વિપક્ષી એકતાના નામે, SP હાલમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની તો નથી જ. હરિયાણામાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને અલગ અલગ ચૂંટણી લડવી પડી. જ્યારે તે સમયે INDIA જોડાણનું ‘માળખું’ અમલમાં હતું. હવે જ્યારે ઘણા પ્રાદેશિક પક્ષોએ INDIA જોડાણમાં કોંગ્રેસને નકારી કાઢી છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે રાહુલ ગાંધી આટલું આક્રમક અભિયાન કેમ ચલાવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમનો પક્ષ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

દિલ્હીના કાર્યકર્તાઓએ હજુ પોતાનો થાક ઉતાર્યો પણ નથી કે, રાહુલ ગાંધીએ બંગાળ માટે પ્રચારની જાહેરાત કરી. 1998માં કોંગ્રેસથી અલગ થયા પછી, CM મમતા બેનર્જીએ 13 વર્ષ સુધી રાજ્યમાં સંઘર્ષ કર્યો. પછી 2011માં લાલ કિલ્લો જીતી લેવામાં આવ્યો. રાઈટર્સ બિલ્ડીંગ સતત 34 વર્ષ સુધી ડાબેરી પક્ષોના કબજામાં રહ્યું. ડાબેરી મોરચાના છેલ્લા CM બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પછી, રાજ્યમાં ડાબેરી દળો નબળા પડવા લાગ્યા, પરંતુ કોંગ્રેસ માટે ખુદ CM મમતા બેનર્જી પોતે એક મોટો પડકાર બની ગયા. એક તરફ, BJP પશ્ચિમ બંગાળમાં સતત ભગવો ઝંડો લહેરાવવાનો પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
2021ની વિધાનસભા ચૂંટણીમાં BJPએ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને પાછળ છોડી દીધા હતા. તૃણમૂલ કોંગ્રેસે 294 બેઠકોવાળી રાજ્ય વિધાનસભામાં 215 બેઠકો જીતીને સરકાર બનાવી, જ્યારે BJP 77 બેઠકો જીતીને રાજ્યનો મુખ્ય વિપક્ષી પક્ષ બન્યો. લોકસભા ચૂંટણીમાં પણ BJPને હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ની સરખામણીમાં પાર્ટીએ છ બેઠકો ગુમાવી અને તેનો મત હિસ્સો પણ લગભગ 2 ટકા ઘટ્યો. જ્યારે આ લોકસભા ચૂંટણીમાં CM મમતાના પક્ષનો મત હિસ્સો લગભગ 2 ટકા વધ્યો અને તેમને 7 વધુ બેઠકો મળી. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, રાજ્યમાં CM મમતા બેનર્જીની શક્તિ વધી છે.

BJP એ પશ્ચિમ બંગાળમાં પોતાની બધી તાકાત લગાવી દીધી છે. પક્ષના નેતાઓ ઉપરાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ પોતાની રીતે સામેલ થયો છે. આ રીતે, કોંગ્રેસને ત્યાં પ્રવેશવા માટે ઘણી વધુ તાકાતનો ઉપયોગ કરવો પડશે. નિષ્ણાતો રાહુલ ગાંધીની પદયાત્રાને આ રણનીતિના ભાગ રૂપે ગણી રહ્યા છે. તેમનું માનવું છે કે, પહેલા તેઓ રાજ્યમાં કોંગ્રેસની તાકાત બતાવશે, પછી જ CM મમતા તેમને પોતાની સાથે લઈ જશે. પત્રકાર અને ફિલ્મ નિર્માતા અનિકેત ચટ્ટોપાધ્યાય કહે છે, ‘રાહુલ ગાંધી સમજી ગયા છે કે, પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને ત્યારે જ આદર સાથે સ્વીકારશે જ્યારે તે તેની તાકાત બતાવશે.’ અનિકેત એ પણ ભાર મૂકે છે કે, રાહુલ પશ્ચિમ બંગાળમાં તેમની પદયાત્રા દ્વારા એ સંદેશ પણ આપી રહ્યા છે કે, તેઓ ડાબેરીઓ સાથે પણ નથી. તેમનું કહેવું છે કે, રાહુલ ગાંધી સમજી ગયા છે કે કોંગ્રેસને બિહાર સિવાય દરેક રાજ્યમાં પોતાની તાકાત વધારવી પડશે. ત્યાર પછી જે પક્ષો BJPને સાંપ્રદાયિક શક્તિ તરીકે જુએ છે તેઓ તેમની સાથે જોડાઈ શકશે.

જોકે, વિશ્લેષકોનો એક વર્ગ રાહુલ ગાંધીના આ નિર્ણયને એ માનસિકતાનું પ્રતીક માને છે કે, જેના હેઠળ કોંગ્રેસ અન્ય લોકોને જગ્યા આપવા માંગતી નથી. અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર હેરંબ ચતુર્વેદી પૂછે છે, ‘આ પ્રાદેશિક પક્ષ, અથવા તો એ કહેવું જોઈએ કે, CM મમતા અલગ જ કેમ થયા?’ તેમણે જવાબ પણ આપ્યો કે, ‘કોંગ્રેસે તેમને જોઈતી જગ્યા આપી નહીં.’ પ્રો. ચતુર્વેદી કહે છે, ‘જો રાહુલ ગાંધી નફરતના યુગમાં પ્રેમની દુકાન ચલાવવાનો દાવો કરે છે, તો પછી તેઓ સાંપ્રદાયિક શક્તિઓ સામે લડવા માટે થોડી ઉદારતા કેમ નથી બતાવતા? અન્ય પક્ષોને પોતાની બરોબર રાખી ને જ તેઓ BJPને પડકારવા માટે એક મોટું ગઠબંધન બનાવી શકે છે.’