

રાજસ્થાનના પિંક સિટી જયપુરમાં શનિવારથી બે દિવસીય IIFA એવોર્ડ્સ શરૂ થઇ ગયો છે. એક પછી એક સેલિબ્રિટી જયપુર પહોંચી રહ્યા હતા. કરીના કપૂર, કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, ફિલ્મ નિર્માતા કરણ જોહર અને શાહિદ કપૂર પણ IIFA પ્રી-ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ સમય દરમિયાન, એક ખૂબ જ ખાસ ક્ષણ જોવા મળી, જ્યારે ભૂતપૂર્વ જોડી કરીના કપૂર અને શાહિદ કપૂરે વર્ષોના બ્રેકઅપ પછી એકબીજાને ગળે લગાવ્યા હતા.
કરીના કપૂર અને શાહિદ કપૂર એક સમયે બોલિવૂડના રોમેન્ટિક લવ બર્ડ્સમાંના એક માનવામાં આવતા હતા, પરંતુ વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, તેમનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ પછી, કરીના અને શાહિદે એકબીજાથી અંતર રાખ્યું, બંને જાહેર કાર્યક્રમોમાં પણ એકબીજાને અવગણતા જોવા મળતા હતા.

પરંતુ શનિવારે, જયપુરમાં IIFA 2025 કાર્યક્રમ દરમિયાન, બોલીવુડની ભૂતપૂર્વ જોડી શાહિદ અને કરીના સ્ટેજ પર એક સાથે જોવા મળ્યા. એટલું જ નહીં, કરીના અને શાહિદે એકબીજાને ગળે પણ લગાવ્યા હતા. બંને એકબીજા સાથે હસીને વાત કરતા અને મજાક કરતા પણ જોવા મળ્યા. બંનેએ મીડિયા સામે પોઝ પણ આપ્યો. આટલા વર્ષો પછી કરીના અને શાહિદનું પુનઃમિલન જોઈને ચાહકોના દિલ ખુશીથી ભરાઈ ગયા છે. બંને સ્ટાર્સના રિયુનિયન વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
સ્ટેજ પર તેમની આસપાસ કરણ જોહર, બોબી દેઓલ અને કાર્તિક આર્યન પણ હાજર હતા. જોકે, બધી જ લાઈમલાઈટ કરીના અને શાહિદે ચોરી લીધી હતી. તેમના વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. લુકની વાત કરીએ તો, શાહિદે ફ્લોરલ પ્રિન્ટ બ્લેઝર-જેકેટ પહેર્યું હતું, જ્યારે કરીના કપૂર ન્યૂઝપેપર પ્રિન્ટ સ્કર્ટ-ટોપ કો-ઓર્ડ સેટ આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે, એક વીડિયો સામે આવ્યો હતો જેમાં કરીના કપૂરે શાહિદ કપૂરને ખુલ્લેઆમ અવગણ્યો હતો અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ્સ કાર્યક્રમમાં રેડ કાર્પેટ પર તેને ઇગ્નોર કરીને આગળ ચાલી ગઈ હતી, પરંતુ IIFAના આ નવા વિડીયોએ તેમના ચાહકોનો દિવસ બનાવી દીધો છે.
શાહિદ કપૂરે IIFA 2025 ઇવેન્ટ્સમાં તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ કરીના સાથેની ખાસ અને વાયરલ મુલાકાત પર પ્રતિક્રિયા આપી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહિદ કપૂરે કહ્યું કે, આ અમારા માટે કોઈ નવી વાત નથી, અમે આજે સ્ટેજ પર મળ્યા હતા, અને અમે આમ તેમ મળતા જ રહીએ છીએ, આ અમારા માટે સંપૂર્ણપણે સામાન્ય વાત છે, જો લોકોને અમારી આ મુલાકાત ગમી છે, તો તે સારી વાત છે.

અહીં તમને જણાવી દઈએ કે શાહિદ અને કરીનાએ ‘ફિદા’, ‘ચૂપ ચુપકે’ અને ‘જબ વી મેટ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જોકે બ્રેકઅપ પછી બંને કોઈ પણ ફિલ્મ પ્રોજેક્ટમાં સાથે જોવા મળ્યા નથી.