

સુપ્રીમ કોર્ટે આરોગ્ય વીમા સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પોલિસી ધારકો પોલિસી ખરીદતી વખતે તેમની દારૂ પીવાની આદત છુપાવે છે, તો વીમા કંપનીઓ તેમના દાવાને નકારી શકે છે. ભલે મૃત્યુ સીધા દારૂ પીવાથી ન થયું હોય તો પણ.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જીવન વીમા નિગમ (LIC)ના તે નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં તેણે 2013માં પોલિસી લેનાર વ્યક્તિને ‘જીવન આરોગ્ય પોલિસી’ હેઠળ દાવો આપવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તેણે એવું બતાવ્યું ન હતું કે તે દારૂ પીવાનો વ્યસની છે. પોલિસી ખરીદ્યાના એક વર્ષની અંદર, પેટમાં તીવ્ર દુખાવાને કારણે તેમને હરિયાણાના ઝજ્જરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એક મહિનાની સારવાર પછી, તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

તેમની પત્નીએ તબીબી ખર્ચ માટે વીમાનો દાવો દાખલ કર્યો. પરંતુ LICએ તેને નકારી કાઢ્યું અને કહ્યું કે, મૃતકે તેની દારૂ પીવાની આદત વિશે માહિતી છુપાવી હતી. પોલિસી કંપનીએ દલીલ કરી હતી કે, તેમની પોલિસી સ્પષ્ટપણે વ્યક્તિની પોતાની આદતો, વર્તન અથવા બેદરકારીને કારણે થતી બીમારીઓને આવરી લેતી નથી. આમાં દારૂના વધુ પડતા સેવનથી થતા રોગોનો પણ સમાવેશ થાય છે.
LICના આ નિર્ણય સામે મૃતકની પત્નીએ જિલ્લા ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો. ગ્રાહક ફોરમે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. તેમણે LICને મૃતકની પત્નીને 5 લાખ 21 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રાહક મંચો દ્વારા પણ આ નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું. તેમનો દલીલ એવો હતો કે મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું, લીવર સંબંધિત કોઈ રોગને કારણે નહીં. LICએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે ગ્રાહક આયોગના નિર્ણયને ઉલટાવી દીધો અને LICની તરફેણમાં નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે આ કોઈ સામાન્ય વીમા પૉલિસી નથી પરંતુ એક વિશિષ્ટ આરોગ્ય વીમા યોજના છે, જેના કડક નિયમો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, ‘દારૂથી થતા રોગો એક દિવસમાં થતા નથી. મૃતક ઘણા સમયથી દારૂ પીતો હતો અને તેણે આ હકીકત છુપાવી હતી અને ખોટી માહિતી આપી હતી. આ જ કારણ હતું કે LICના દાવાને નકારી કાઢવો યોગ્ય હતો.’
ગ્રાહક ફોરમના નિર્દેશો મુજબ, LICએ મૃતકની વિધવાને 3 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે આ પૈસા પરત કરવાનો આદેશ આપ્યો નથી.