
-copy4.jpg?w=1110&ssl=1)
ગુજરાતમાં દારૂબંધી બાદ પણ અવારનવાર દારૂ પકડાવાની ઘટનાઓ ચર્ચામાં રહે છે, પરંતુ વડોદરામાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે દેશી દારૂની ફેક્ટરી ચાલી રહી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર IAS દિલીપ રાણાને આ અંગે માહિતી મળી તો તેમણે પોલીસ અધિકારીના અંદાજમાં દરોડો પાડી દીધો અને દેશી દારૂ ઉતારતા આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

દિલીપ રાણાએ પોતાના સ્ટાફને આખી ઘટનાની વીડિયોગ્રાફી પણ કરાવી હતી, જેથી આરોપીઓ વિરુદ્વ કડક કાર્યવાહી કરી શકાય. મહાનગર પાલિકાના કમિશનર દ્વારા દારૂની ફેક્ટરી જપ્ત કરવામાં આવ્યા બાદ સવાલ ઉભા થઇ રહ્યા છે કે આખરે મહાપાલિકાના જે વિસ્તારને શહેરી વિસ્તાર માનવામાં આવે છે, ત્યાં દારૂ કેવી રીતે ઉતારવામાં આવી રહ્યો હતો? પોલીસને પણ તેની ભનક કેમ ન લાગી? રાણાએ આ દારૂની ફેક્ટરી પકડ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરતા બધો સામાન જપ્ત કરી લીધો હતો.

વડોદરા પોલીસની SOGએ ખુલાસા બાદ આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિક્રમ ખોડ સિંહ ઠાકોરની ધરપકડ કરી છે. તે વડોદરાના વડસરમાં રહેતો હતો. પોલીસે તેની પાસેથી 3 બેરલ દારૂ જપ્ત કર્યો હતો. 9 ખાલી ડ્રમ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપી સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. PCB ઈન્સ્પેક્ટર સી.બી. ટંડેલના જણાવ્યા અનુસાર, કુલ 3 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર છે. તેમની પણ જલદી જ ધરપકડ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યની સ્થાપનાથી જ દારૂબંદી છે. રાજ્યમાં દારૂના વેચાણ અને પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. રાજ્યમાં માત્ર પ્રવાસીઓને જ દારૂ પીવાની છૂટ છે. તેના માટે સરકાર દ્વારા લાઇસન્સ આપવામાં આવે છે. આ સિવાય હેલ્થ પરમિટ પણ બને છે. જેમને ડૉક્ટરો દારૂની ભલામણ કરે છે. તેમને આ પરમિટ ફીસ સાથે મળે છે, જો કે આ પ્રક્રિયા ખૂબ જટિલ છે.