
વર્ષ 2006માં બનેલી શાહિદ કપૂરની ફિલ્મ ‘વિવાહ’ તમે બધાએ તો જોઈ જ હશે. ફિલ્મમાં દુલ્હન અમૃતા રાવ, લગ્નના દિવસે તેની પિતરાઈ બહેનને બચાવવાનો પ્રયાસમાં ઘરમાં લાગેલી આગમાં દાઝી જાય છે. પછી શાહિદ કપૂર હૉસ્પિટલમાં જઈને તેની સાથે લગ્ન કરે છે. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરા શહેરમાં આવેલા પંજાબી નર્સિંગ હોમમાં અક્ષય તૃતીયાના અવસર પર આવો જ નજારો જોવા મળ્યો. હકીકતમાં, બ્યાવરાના પરમસિટી કૉલોનીના રહેવાસી જગદીશ સિંહ સિકરવારના ભત્રીજા આદિત્ય સિંહના લગ્ન કુંભરાજના રહેવાસી સ્વ. બલવીર સિંહ સોલંકીની પુત્રી નંદિની સાથે નક્કી થયા હતા.

બુધવારે, અક્ષય તૃતીયા પર જાન, કુંભરાજ નજીકના પુરુષોત્તમપુરા ગામમાં જવાની હતી, પરંતુ લગ્નના 5 દિવસ અગાઉ દુલ્હન નંદિનીની તબિયત અચાનક બગડી ગઈ. નંદિનીને 24 એપ્રિલે બ્યાવરા શહેરના પંજાબી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી. તેની તબિયત વધુ લથડતા ડૉક્ટર જે.કે. પંજાબીએ દુલ્હનને આરામ કરવાની સલાહ આપી હતી. જ્યારે પરિવારજનોએ કન્યા નંદિનીના લગ્ન અક્ષય તૃતીયાના મુહૂર્તમાં કરવાની વાત કરી, તો ડૉક્ટરે કહ્યું કે કન્યા લાંબા સમય સુધી બેસી નહીં શકે. ત્યારબાદ, પરિવાર અને ડૉક્ટરે હૉસ્પિટલમાં જ વર અને કન્યાના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ, બુધવારે મોડી રાત્રે, વરરાજા આદિત્ય પોતાની દુલ્હન સાથે લગ્ન કરવા માટે જાન લઈને બેન્ડ-વાજા સાથે હૉસ્પિટલ પહોંચ્યો અને ત્યાં વૈદિક મંત્રો સાથે લગ્ન કર્યા. વરરાજા જાનૈયાઓ સાથે ઘોડા પર સવાર થઈને બેન્ડ સાથે જાન લઈને હૉસ્પિટલમાં પહોંચ્યો અને બધાની સામે લગ્નના રીત-રિવાજો પૂરા કર્યા.

લગ્ન દરમિયાન કન્યા નંદિની ચાલી શકવાની સ્થિતિમાં ન હોવાથી વરરાજા આદિત્યએ હૉસ્પિટલમાં શણગારેલા મંડપ વચ્ચે કન્યાને ખોળામાં ઉઠાવીને 7 ફેરા લીધા. આ દરમિયાન, હૉસ્પિટલમાં જ, વરરાજાએ કન્યાના સેન્થામાં સિંદુર ભર્યું અને તેને મંગળસૂત્ર પણ પહેરાવ્યું. વરરાજાની માતા મમતા બૈસે જણાવ્યું કે, તેમના દીકરાના લગ્ન કુંભરાજની નંદિની સાથે નક્કી થયા હતા, પરંતુ લગ્નના માત્ર 5 દિવસ અગાઉ, દુલ્હન નંદિનીની તબિયત અચાનક બગડી ગઈ. તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી, જ્યાં તેનું સ્વાસ્થ્ય ન સુધરતા હૉસ્પિટલમાં લગ્નના રીત-રિવાજ કરવામાં આવ્યા. મમતાએ જણાવ્યુ કે જો લગ્ન આજે ન થયા હોત તો 2 વર્ષ સુધી લગ્ન માટે કોઈ મુહૂર્ત નહોતું.