

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ભાજપ કાર્યાલયની એક CCTV ફૂટેજ વાયરલ થઈ રહી છે, જેમાં લીલો કુર્તો અને કેસરી ગામછો પહેરીને એક પુરુષ કાર્યાલય પરિસરમાં એક મહિલા સાથે આલિંગન કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં દેખાતો વ્યક્તિ ભાજપ જિલ્લા પ્રમુખ અમર કિશોર કશ્યપ છે. વાયરલ ફૂટેજના પહેલા ભાગમાં એક મહિલા પગથિયાથી ઉપર ચઢે છે અને રોકાય છે. તેના થોડા સમય બાદ એક પુરુષ નેતા ત્યાં આવે છે અને મહિલાને આલિંગન કરે છે, પછી બંને ઉપર જતા રહે છે.

તો બીજી ફૂટેજમાં, એક કાર કાર્યાલય પરિસરમાં આવે છે, જેમાંથી એક મહિલા ઉતરે છે અને નેતા પોતે કારનો દરવાજો ખોલતા જોવા મળે છે. આ સમગ્ર ઘટના અંગે જ્યારે ભાજપના જિલ્લા પ્રમુખ અમર કિશોર કશ્યપનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે, ‘આ વીડિયો મારી પોતાની ઓફિસનો છે અને આ ઘટના 12 એપ્રિલની છે. એક સક્રિય મહિલા કાર્યકર્તાની તબિયત સારી નહોતી, તેણે મને ફોન કરીને કહ્યું કે તે થોડો આરામ કરવા માગે છે. મેં તેને પાર્ટી કાર્યાલય બોલાવી. જ્યારે અમે ઉપર ગયા ત્યારે તેને ચક્કર આવવા લાગ્યા, મેં તેને સહારો આપ્યો.
તેમણે વધુમાં કહ્યું કે આ વીડિયો તેમના જ કોઈ કર્મચારીએ વાયરલ કર્યો છે. જો કોઈને મદદ કરવી ગુનો હોય તો હું શું કરી શકું? વાયરલ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ગલિયારામાં ચર્ચા તેજ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ભાજપના નેતા અમર કિશોર કશ્યપે વાયરલ વીડિયો પર સ્પષ્ટતા આપતા કહ્યું કે, આ ઘટના 12 એપ્રિલની રાત્રે લગભગ 9:00 વાગ્યાની છે. તેણે જણાવ્યુ કે, ‘મહિલા પાર્ટીની સક્રિય કાર્યકર્તા છે.
તેની તબિયત સારી નહોતી અને તે થોડો આરામ કરવા માગે છે. એટલે મેં તેને ઘરે લઈ જવાની જગ્યાએ પાર્ટી ઓફિસમાં બોલાવી. જ્યારે અમે ઉપર તરફ પગથિયાં ચઢી રહ્યા હતા, ત્યારે તેને ચક્કર આવી ગયા અને તે પડવા લાગી, તો મેં તેને સહારો આપ્યો. તેણે પણ મારો હાથ પકડી લીધો.