
મજબૂર પરિવારોને નિશાનો બનાવીને લૂંટનારી દુલ્હનોના મામલાઓ બાબતે ઘણી વખત સાંભળ્યું હશે. આવી દુલ્હનો લગ્ન બાદ ઘરેણાં અને રોકડ લઈને ફરાર થઈ જાય છે અથવા પરિવાર સાથે છળ કરીને પૈસા પડાવી લે છે. સુરતથી પણ આવો જ મામલો સામે આવ્યો છે. નિકાહના નામે અમદાવાદમાં રહેતા એક દિવ્યાંગ યુવક સામે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 5 મહિલાઓની ગેંગે નિકાહનું ષડયંત્ર રચીને યુવક પાસેથી 1 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદમાં નિકાહની રાત્રે જ દુલ્હન ભાગી ગઈ હતી. આ મામલે યુવકે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલા ગેંગની ધરપકડ કરી છે.
આ ગેંગની તપાસમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. પીડિત યુવાન જેને પોતાની પત્નીનો પરિવાર સમજી રહ્યો હતો, તે માત્ર લૂંટ માટે 5 યુવતીઓએ બનાવેલી એક ગેંગ હતી. આ ગેંગમાં જે મહિલા દુલ્હન બની હતી, તે જ પરિણીત છે. આ મામલાની શરૂઆત લૂંટેરી ગેંગની સભ્ય અને એજન્ટ હીના (નરગીશબાનુ)ના સંપર્કમાં અમદાવાદનો દિવ્યાંગ યુવક આવ્યો અને નિકાહ માટે સુરતની સના નામની એક યુવતીને પસંદ કરી ત્યારથી થઈ હતી. એજન્ટ હીનાએ યુવકને કહ્યું હતું કે, દુલ્હનના પિતા નથી. માતા અને 2 બહેનો જ છે. આ ષડયંત્રમાં ઝરીના ખાતૂન યુવતીની માતા બની હતી, જ્યારે મુસ્કાન અને શાહિસ્તા બહેન બની હતી, એજન્ટ તરીકે હીના (નરગીશબાનુ) હાજર રહી હતી. સના નામની 18 વર્ષીય યુવતીને દુલ્હન બનાવવામાં આવી હતી, જ્યારે વાસ્તવમાં સનાના માતા-પિતાને આ નિકાહ બાબતે કોઈ ખબર જ નહોતી.

જ્યારે યુવક નિકાહ માટે તૈયાર થઈ ગયો હતો, ત્યારે એજન્ટ ઝરીના ખાતૂને નાનપુરા વિસ્તારમાં આવેલા પોતાના ઘરે જ નિકાહ કરાવ્યા હતા. જેમાં ઈર્શાદ પઠાણ નામના રિક્ષા ડ્રાઇવરને કાઝી બનાવીને નિકાહ વંચાવ્યા હતા. નિકાહ બાદ દુલ્હન અને તેનો નકલી પરિવાર યુવક સાથે અમદાવાદ ગયો હતો, જ્યાંથી એક લાખ રૂપિયા પડાવીને સુરત પરત ફર્યા હતો. ત્યારબાદ યુવકના સંબંધીઓના ફોન નંબર બ્લોક કરી દીધા હતા. જ્યારે યુવકે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તો કોઈ જવાબ ન મળ્યો. જ્યારે યુવકે ફરિયાદ કરવાની વાત કહી તો આ લૂંટારી ગેંગની મહિલાઓએ યુવકને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

યુવકે હિંમત દેખાડીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને 5 યુવતીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓની ઓળખ ઝરીના ખાતૂન (મેરેજ બ્યૂરો ચલાવતી હતી), સના (દુલ્હન), હીના (એજન્ટ), મુસ્કાન અને શાહિસ્તા (દુલ્હનની બહેન બની હતી) તરીકે થઈ હતી છે. આ બધી મહિલાઓ લિંબાયત, નાનપુરા અને સલાબતપુરા જેવા વિસ્તારોમાં રહે છે અને જુદી-જુદી ઓળખ બનાવીને લોકો સાથે લગ્નના નામે છેતરપિંડી કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સનાની 2 બહેનપણી સગી બહેનો બનીને યુવક સામે હાજર થઇ હતી. એક લાખ રૂપિયાની આ તમામ યુવતીઓ સરખા ભાગે વહેંચવાની હતી.
DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આ મામલે 5 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. લગ્નના નામે એક લાખ રૂપિયા પડાવવાના મામલે કાર્યવાહી થઈ રહી છે. આરોપીઓએ અન્ય લોકો સાથે પણ આવી રીતે લૂંટ કરી છે કે નહીં તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.