
ભારતના રાજકીય ક્ષેત્રે એક ઐતિહાસિક સમય સાબીત થઈ રહ્યો છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા શશી થરુર જેવા પ્રભાવશાળી નેતાઓ દેશ અને વિશ્વના મંચ પર પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓનું સત્ય ઉઘાડું પાડી રહ્યા છે. આ બે વ્યક્તિત્વોના સંયુક્ત પ્રયાસ ભારતની એકતા, શક્તિ અને નૈતિક નેતૃત્વના પ્રતીક પુરવાર થઈ રહ્યા છે. પાકિસ્તાનના અંતંકવાદ સંદર્ભે ‘ઓપરેશન સિંદૂર’ જેવી નિર્ણાયક કાર્યવાહી અને વૈશ્વિક સ્તરે સત્યને રજૂ કરવાની કુશળતા દ્વારા ભારત આજે વિશ્વને પોતાની સ્થિતિનો મજબૂત સંદેશ આપી રહ્યું છે. આ નેતૃત્વની જોડીએ ભારતીયોના હૃદયમાં ગર્વ અને સંતોષની લાગણી જગાવી છે.

પ્રધાનમંત્રી મોદીની નિર્ભીક નેતૃત્વશૈલી…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ભારતની નવી ઓળખનું પ્રતીક બન્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ એ ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિનું જીવંત ઉદાહરણ છે. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મે, 2025ના રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિર્ણાયક હુમલો કર્યો જેમાં 100થી વધુ આતંકવાદીઓ ઠાર થયા. આ કાર્યવાહીએ વિશ્વને બતાવ્યું કે ભારત હવે બેસી રહેવાનું રહેવાનું નથી અને આતંકવાદનો જડબાતોડ જવાબ આપશે.
પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં પોતાના પ્રવાસો દરમિયાન આ ઓપરેશનની સફળતા અને ભારતની નીતિને જનતા સમક્ષ રજૂ કરી છે. તેમની સભાઓમાં આપેલા સંદેશાઓ ન માત્ર દેશની જનતાને એકજૂટ કરે છે પરંતુ વૈશ્વિક સમુદાયને પણ ભારતની નિર્ભીકતા અને પ્રતિબદ્ધતાનો પરિચય આપે છે. ભૂજમાં રૂ. 53,400 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કહ્યું કે ‘આતંકવાદ એ વૈશ્વિક ખતરો છે અને ભારતની નીતિ ઝીરો ટોલરન્સની છે.’ તેમના આ શબ્દો દેશના દરેક નાગરિકના હૃદયમાં ગુંજે છે અને ગર્વની લાગણી જગાવે છે.

શશી થરુરની વૈશ્વિક મંચ પર ભૂમિકા…
બીજી તરફ શશી થરુરની વૈશ્વિક મંચ પરની હાજરી ભારતની કૂટનીતિનું એક શક્તિશાળી ઓળખ બની રહી છે. તેમની વાક્ચાતુર્ય અને વિશ્વભરના નેતાઓ સાથે સંવાદ કરવાની ક્ષમતા ભારતની સ્થિતિને મજબૂત કરે છે. શશી થરુરે ગયાનાના મીડિયા સાથેની વાતચીતમાં પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા રજૂ કર્યા જેમાં લશ્કર-એ-તોઈબાની ફ્રન્ટલ સંસ્થા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો ઉલ્લેખ કર્યો. તેમના આ પ્રયાસોએ પાકિસ્તાનના આતંકવાદી માળખાને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું.
થરુરની આંતરરાષ્ટ્રીય લોબિંગ અને પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર તરીકે ઓળખાવવાના પ્રયાસો ભારતની કૂટનીતિક શક્તિનું પ્રમાણ છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સમાં થરુરની આ ભૂમિકાની પ્રશંસા થઈ રહી છે જ્યાં તેઓ વિશ્વભરમાં ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કરી રહ્યા છે. આ બે નેતાઓનું સંયોજન એક એવું નેતૃત્વ રજૂ કરે છે જે દેશની અંદર અને બહાર બંને જગ્યાએ અસરકારક છે.

ગર્વ અને સંતોષનો અનુભવ…
આ બે નેતાઓની સમન્વયથી ભારત આજે વિશ્વમાં એક શક્તિશાળી અને નૈતિક રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની નિર્ભીક નીતિઓ અને થરુરની કૂટનીતિક કુશળતા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. ‘ઓપરેશન સિંદૂર’ નામ પાછળનું મહત્વ પણ ભારતની સંસ્કૃતિ અને સંવેદનશીલતાને દર્શાવે છે જે પહેલગામ હુમલામાં પોતાના પતિઓ ગુમાવનાર મહિલાઓને શ્રદ્ધાંજલિ આપે છે.
આ નેતૃત્વથી દરેક ભારતીયના હૃદયમાં ગર્વની લાગણી જન્મે એ સ્વાભાવિક છે. પાકિસ્તાનની આતંકવાદી નીતિઓને ખુલ્લી પાડવાનો આ સમય ભારતની એકતા અને શક્તિનો સમય છે. મોદી અને થરુરની જોડીએ બતાવ્યું છે કે ભારત હવે ન તો ચૂપ રહેશે ન તો ઝૂકશે. પરંતુ વિશ્વને ન્યાય અને સત્યનો માર્ગ બતાવશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)