

એલોન મસ્કના X પ્લેટફોર્મે XChat નામનું એક નવું મેસેજિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, ઓટો ડિલીટ થયેલા મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઇલો મોકલવાનો વિકલ્પ મળશે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે.
એલોન મસ્કે રવિવારે પોસ્ટ કરીને આ ફીચર વિશે માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે કે, નવું XChat રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે, જે એન્ક્રિપ્શન, વેનિશિંગ મેસેજ અને ફાઇલો મોકલવાનો વિકલ્પ આપે છે.

મસ્કે દાવો કર્યો છે કે, XChatમાં બિટકોઈન-સ્ટાઈલ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને સંપૂર્ણપણે નવા આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવ્યું છે. મસ્કે બીજી પોસ્ટમાં જણાવ્યું છે કે, XChatની મદદથી યુઝર્સ ઓડિયો અને વિડિયો કોલ પણ કરી શકશે. આ માટે મોબાઈલ નંબર લિંક કરવાની જરૂર નથી.
મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર, XChat હાલમાં પરીક્ષણ તબક્કામાં છે અને કેટલાક લોકો પર તેનું પરીક્ષણ પણ ચાલી રહ્યું છે. જોકે, કંપનીએ હજુ સુધી માહિતી આપી નથી કે તે સામાન્ય લોકો માટે ક્યારે રિલીઝ થશે. X પ્લેટફોર્મે વર્ષ 2023માં એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવા શરૂ કરી હતી અને તે સમયે આ સેવા મર્યાદિત લોકો માટે શરૂ કરવામાં આવી હતી.

મસ્કે જણાવ્યું હતું કે, XChat Grok AI ચેટબોટના એકીકરણ સાથે ઓટોનોમસ આસિસ્ટન્ટ સુવિધાઓ પણ પ્રદાન કરશે, જે વપરાશકર્તાઓને ચેટ છોડ્યા વિના ટિકિટ બુક કરવા, મીટિંગ શેડ્યૂલ કરવા અને દસ્તાવેજો તૈયાર કરવાની મંજૂરી આપશે. મસ્ક ચીનના WeChat જેવી સુપર એપ બનાવવાની યોજના બનાવી રહ્યા છે અને XChat આ લક્ષ્યમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
XChatમાં એ તમામ સુવિધાઓ આપવામાં આવી છે, જે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppની અંદર ઉપલબ્ધ છે. જોકે, WhatsAppની અંદર મોબાઇલ નંબરથી લોગિન કરવું પડતું હોય છે. જ્યારે XChatમાં મોબાઇલ નંબર કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં.

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એક સુરક્ષા સિસ્ટમ છે અને તેનો હેતુ મોકલનાર અને પ્રાપ્તકર્તા વચ્ચે ડેટા સુરક્ષિત રીતે પહોંચાડવાનો છે. તે દરમિયાન પણ, કોઈ વ્યક્તિ તેને ડીકોડ કરી શકતું નથી.
ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈને સંદેશ મોકલો છો, ત્યારે તે સંદેશ તમારા ઉપકરણ પર એન્ક્રિપ્ટ થઈ જાય છે. આ પછી, તે ઇન્ટરનેટની મદદથી આગળ ટ્રાન્સફર થાય છે. આવી સ્થિતિમાં, સંદેશ રીસીવર સુધી પહોંચતાની સાથે જ ડિક્રિપ્ટ થઈ જાય છે. આ સુવિધા WhatsApp, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્સમાં ઉપલબ્ધ હોય છે.