

વડાપ્રધાન મોદી હાલમાં 3 દેશોના પ્રવાસ પર છે. તેમનો પ્રવાસ સાયપ્રસથી શરૂ થયો હતો. વડાપ્રધાન ગઈકાલે સાયપ્રસ પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ નિકોસે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને આ પ્રવાસની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. અહીં સાયપ્રસે મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. વડાપ્રધાનની આ યાત્રાને એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન, તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી હતી, જ્યારે સાયપ્રસ અને તુર્કી વચ્ચે વસ્તુઓ સારી રીતે ચાલી રહી નથી. વડાપ્રધાનની સાયપ્રસ યાત્રા દરમિયાન આખી દુનિયાની નજર તેમના પર છે.

આ પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ નિકોસ સાથે એ જગ્યાએ પણ પહોંચ્યા, જ્યાંથી તુર્કી અને સાયપ્રસની બોર્ડર નજીક છે. જ્યારે વડાપ્રધાન સાયપ્રસની રાજધાની નિકોસિયાના મધ્યમાં રાષ્ટ્રપતિ સાથે ઉભા હતા, ત્યારે તેમના બેકગ્રાઉન્ડમાં એક ઝંડો ટર્કિશ રિપબ્લિક ઓફ નોર્ધન સાયપ્રસ (TRNC)નો લહેરાતો હતો. આ એ વિસ્તાર છે જેના પર 1974માં તુર્કીએ બળજબરીથી કબજો કરી લીધો હતો અને આંતરરાષ્ટ્રીય સમુદાય આજે પણ તેને માન્યતા આપતો નથી. આ જગ્યા વચ્ચે એક ગ્રીન લાઇન બફર ઝોન છે, જ્યાં વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા. ચાલો જાણીએ કે આ ગ્રીન લાઇન બફર ઝોન શું છે અને તે શા માટે આટલું ખાસ છે.

શું છે બફર ઝોન?
સાયપ્રસ ગ્રીન લાઇન બફર ઝોનને યુનાઇટેડ નેશન્સ બફર ઝોન પણ કહેવામાં આવે છે. તે સાયપ્રસ દ્વીપ પર એક અલગ વિસ્તાર છે. આ જગ્યા ઉત્તર અને દક્ષિણ સાયપ્રસને અલગ કરે છે. આ વિસ્તાર 1974માં તુર્કીના આક્રમણ પછી બનાવવામાં આવ્યો હતો. તેને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ દળ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો. તે 180 કિલોમીટર લાંબો અને કેટલાક વિસ્તારોમાં થોડા મીટર પહોળો છે. તો, કેટલાક વિસ્તારોમાં તે થોડા કિલોમીટર પહોળો છે. બફર ઝોનને બંને ક્ષેત્રો વચ્ચે એક અલગ ક્ષેત્રના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.
બફર ઝોન સામાન્ય લોકો માટે નથી. તે સામાન્ય લોકો માટે પ્રતિબંધિત છે અને કોઈને ત્યાં જવાની મંજૂરી નથી. અહી માત્ર સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓ અને ખાસ પરવાનગી ધરાવતા લોકોને જ જવાની મંજૂરી છે. આ જગ્યાએ ત્યજી દેવાયેલા ઘરો, કારો અને એક એરપોર્ટ પણ છે, જે 1974ના સંઘર્ષ બાદ કાર્યરત નથી. બફર ઝોન સાયપ્રસમાં શાંતિ અને સુરક્ષા બનાવી રાખવામા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.