

અમેરિકાના ડેલાવેરની 35 વર્ષીય જેનિફર એલનની વાર્તા સાંભળીને તમને આશ્ચર્ય થશે. પુત્રીના જન્મ અને તબીબી કટોકટી પછી 20 લાખ રૂપિયાના ક્રેડિટ કાર્ડ દેવામાં ડૂબેલી એક માતાએ AIની મદદથી માત્ર 30 દિવસમાં 10 લાખ રૂપિયાથી વધુનું દેવું ચૂકવી દીધું છે. આ વાર્તા નવી તકનીક અને હિંમતની વાર્તા છે. જે કોઈપણ માટે પ્રેરણાદાયક હોઈ શકે છે. આ વાર્તા કહે છે કે, જો તમે જીવનમાં જીવવા માંગતા હો, તો તમને મદદ કરવા માટે ઘણા રસ્તા ખુલશે. WIONમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, 35 વર્ષીય અમેરિકન મહિલા ChatGPTની મદદથી તેના 20 લાખના ક્રેડિટ કાર્ડ દેવા ચૂકવી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, જેનિફરના જીવનમાં બધું બરાબર હતું. તેની આવક સારી હતી, પરંતુ તેની પુત્રીના જન્મ પછી, ઘણા પૈસા ખર્ચાઈ ગયા. તબીબી બિલ, બાળ ઉછેર ખર્ચ અને દૈનિક ખર્ચાઓએ તેના ક્રેડિટ કાર્ડ બિલમાં વધારો કર્યો. એટલા માટે જેનિફરે કહ્યું, અમે કોઈ આરામદાયક જીવન નહોતા જીવી રહ્યા, અમે ફક્ત જિંદગીના દિવસો પસાર કરી રહ્યા હતા. પણ અમને ખ્યાલ જ ન આવ્યો કે દેવું ક્યારે આટલું વધી ગયું.’ દેવાનો ડર તેને દરરોજ રાત્રે સતાવવા લાગ્યો હતો.
જેનિફર આગળ કહે છે કે, એક દિવસ તેણે હિંમત ભેગી કરીને ChatGPT પાસે તેની નાણાકીય સમસ્યાનો ઉકેલ માંગ્યો. AIએ તેને નાના નાના ફેરફારો કરવાની સલાહ આપી, જે સરળ હતા. પહેલા, જેનિફરે નકામા સબ્સ્ક્રિપ્શન્સ બંધ કર્યા. પછી AIએ તેને જૂના ખાતાઓ તપાસવાનું કહ્યું. આ દરમિયાન, તેને એક જૂના બ્રોકરેજ ખાતામાં 8.5 લાખ રૂપિયા મળ્યા, જેના વિશે તે ભૂલી ગઈ હતી. ChatGPTએ તેને ઘરે ઉપલબ્ધ સામગ્રીથી ખાવાનું બનાવવાનો વિચાર આપ્યો, જેનાથી કરિયાણાનો ખર્ચ 50,000 રૂપિયા ઓછો થઈ ગયો. જેનિફર કહે છે, ‘કોઈ જાદુ નહોતો. બસ દરરોજ તમારા ખર્ચાઓ જોવાના હતા, તેમના વિશે વાત કરવાની હતી અને ડર છોડી દેવાનો હતો.’

ChatGPTની સલાહ પર, જેનિફરે 30 દિવસનો પડકાર સ્વીકાર્યો. તેણે તેના ખર્ચાઓ પર નજર રાખી, બિનજરૂરી ખર્ચાઓમાં ઘણો ઘટાડો કર્યો. પરિણામ એ આવ્યું કે તેણે માત્ર 30 દિવસમાં 12,078.93 ડૉલર (લગભગ રૂ. 10.3 લાખ)નું દેવું ચૂકવી દીધું. એટલે કે, તેનું અડધું દેવું પૂરું થઈ ગયું. હવે તે બીજા પડકાર માટે તૈયારી કરી રહી છે, જેના પછી તે દેવાથી સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકે છે.
જેનિફર કહે છે, ‘દેવાનો સામનો કરવા માટે તમારે ખૂબ હોશિયાર બનવાની જરૂર નથી. તમારે ફક્ત પોતાને હિમ્મત આપતા રહેવું પડશે, જેમ તેણે કર્યું હતું. જેનિફરની વાર્તા એટલા માટે પણ ખાસ છે કારણ કે અમેરિકામાં દેવાનો બોજ વધી રહ્યો છે. 2025ના પહેલા ક્વાર્ટરમાં, ત્યાંના ઘરોનું દેવું 18.2 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે.
