

ભારતીય ટીમના યુવા બેટ્સમેન સરફરાઝ ખાનને ઈંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં રમવાની તક મળી નથી. સરફરાઝ ખાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 માટે ભારતીય ટીમનો હિસ્સો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ, સરફરાઝ ખાને છેલ્લા કેટલાક મહિનામાં તેની ફિટનેસ પર સખત મહેનત કરી હતી. તેણે છેલ્લા 2 મહિનામાં 17 કિલો વજન ઓછું કર્યું છે.

સરફરાઝ ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે અગાઉ કરતા ખૂબ પાતળો દેખાય રહ્યો છે. તેની આ તસવીર જોયા બાદ, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને એક ટ્વીટ કરી જે આ સમયે ખૂબ લાઈમલાઇટમાં છે. પીટરસન પણ સરફરાઝનું આ ટ્રાન્સફોર્મેશનને જોઈને આશ્ચર્યચકિત છે. સરફરાઝની પ્રશંસા કરવા સાથે-સાથે તેણે પૃથ્વી શૉ પર પણ કટાક્ષ કર્યો, જે સતત પોતાની ખરાબ ફિટનેસને કારણે સતત ટ્રોલ થઈ રહ્યો છે. પીટરસને કહ્યું કે કોઈ સરફરાઝ ખાનનું આ ટ્રાન્સફોર્મેશન શૉને બતાવી દે.
કેવિન પીટરસને સરફરાઝ ખાનની તસવીર પર કમેન્ટ કરતા લખ્યું કે, જબરદસ્ત પ્રયાસ યુવાન! ખૂબ ખૂબ અભિનંદન અને મને ભરોસો છે કે તેનાથી મેદાન પર વધુ સારું અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવામાં મદદ મળશે. પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે તમે જે સમય ખર્ચ કર્યો, તે મને પસંદ આવ્યો. શું કોઈ આ તસવીર પૃથ્વી શૉને બતાવી શકે છે? કે આમ કરી શકાય છે.

સરફરાઝ ખાનની વાત કરીએ તો તેણે 2024માં ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં ભારત માટે 6 ટેસ્ટ મેચ રમી છે, જેની 11 ઇનિંગ્સમાં 37.10ની સરેરાશથી 371 રન બનાવ્યા છે. તેના નામે એક સદી અને 3 અડધી સદી નોંધાયેલી છે. તેણે 2024માં ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. હવે તેને ભારત માટે રમવાની તક ક્યારે મળશે તે તો સમય સાથે જ ખબર પડશે.
