

રાહુલ ગાંધીની નજરમાં, આજે અંગ્રેજી વિના પ્રગતિ શક્ય નથી. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જો ભારતમાં કોઈ વસ્તુથી પ્રગતિ મળે છે, તો તે અંગ્રેજી શિક્ષણ છે. આજે આ સૌથી મોટું પરિબળ છે, જે સફળતા અને પ્રગતિ નક્કી કરે છે.’ રાહુલ ગાંધીનું કહેવું હતું કે, હિન્દી, તમિલ, કન્નડ જેવી પ્રાદેશિક ભાષાઓનું પોતાનું મહત્ત્વ છે, પરંતુ આજના ભારતમાં, જો કોઈ એવી વસ્તુએ સામાજિક અસમાનતાની દીવાલ તોડી છે, તો તે અંગ્રેજી ભાષા છે. તેમણે કહ્યું કે, ‘આ એક હેરાન કરી દેનારું સત્ય છે, પરંતુ તે સાચું છે. હું એમ કહી રહ્યો નથી કે હિન્દી કે પ્રાદેશિક ભાષાઓ જરૂરી નથી, પરંતુ અંગ્રેજીથી મળતી તકો આજે પણ સૌથી અસરકારક છે.

રાહુલ ગાંધી અહીં જ ન અટક્યા. તેમણે ભાજપના નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘જે લોકો કહે છે કે અંગ્રેજી ખતમ થવી જોઈએ, તેમને પૂછો કે તેમના બાળકો ક્યાં અભ્યાસ કરે છે? તમને જવાબ મળશે – અંગ્રેજી માધ્યમની શાળામાં. તો પછી ગરીબ બાળકને આ તક કેમ ન મળવી જોઈએ? દલિત, આદિવાસી કે OBC મહિલાને કેમ ન મળે?’

રાહુલ ગાંધીની આ વાતો તેમની સામાજિક ન્યાયવાળી રાજનીતિનો આગામી ભાગ લાગે છે. તેમણે અંગ્રેજીને નફરત કે ઉપેક્ષાનું નહીં, પરંતુ અવસરનું માધ્યમ બતાવ્યું. તેમના મતે જ્યાં સુધી ગરીબોને પણ અમીરોના બાળકોને મળતું શિક્ષણ નહીં મળે ત્યાં સુધી સમાનતાનું સપનું અધૂરું રહેશે. રાહુલ ગાંધીની આ થિયોરીથી વધુ એક બહેસ જન્મ લઈ શકે છે. શું ભારતમાં ‘ભાષાકીય સમાનતા’ની જગ્યાએ ‘ભાષાકીય તક’ની વાત થવી જોઈએ? શું હવે અંગ્રેજી શીખવું સામાજિક ન્યાયનો ભાગ બની ચૂક્યું છે?

