

સિક્કિમ સરકારે લગભગ 32,000 માતાઓને 40,000 રૂપિયાની અનુદાન રકમ આપવાની જાહેરાત કરી છે. રવિવારે સિક્કિમમાં ઔપચારિક રીતે પહેલો ‘અમા સન્માન દિવસ’ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ રાજ્ય માટે માતાઓના બલિદાન, સાહસ અને યોગદાનના સન્માનમાં સમર્પિત છે. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે આ સમારોહમાં મહિલાઓ માટે આ મોટી જાહેરાત કરી હતી. આ સમારોહ રંગપો સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં રાજ્યભરની માતાઓ સહિત હજારો લોકો એકત્ર થયા હતા.

આ નવી પહેલ હેઠળ, સિક્કિમની લગભગ 32,000 માતાઓને 40,000 રૂપિયાની અનુદાન રકમ મળશે. આ રકમ 2 ચરણમાં આપવામાં આવશે. પહેલા ચરણમાં 20,000 રૂપિયા અને પછી 20,000 રૂપિયા. સરકાર આ કાર્યક્રમ પર 128 કરોડ રૂપિયા ખર્ચ કરશે. મુખ્યમંત્રીએ અમા સન્માન દિવસની શરૂઆત કરવાના નિર્ણયને વ્યક્તિગત અને રાજનીતિક બંને જ રીતે મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.
તેમણે કાર્યક્રમમાં કહ્યું કે, માતાઓએ હંમેશાં સિક્કિમના સામાજિક અને રાજનીતિક જીવનમાં, ખાસ કરીને મુશ્કેલ સમયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માતાઓ ક્રાંતિકારી સાથીઓ સાથે ખભે ખભા મળાવીને ઉભી રહી છે. તેમના સંઘર્ષ અને બલિદાનમાં તેમનું યોગદાન રહ્યું છે. સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) પાર્ટીની સફર રાજ્યભરની માતાઓની હિંમત અને દૃઢ સંકલ્પને દર્શાવે છે.

મુખ્યમંત્રી માટે 10 ઑગસ્ટનો દિવસ વ્યક્તિગત રીતે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે જન મુક્તિ દિવસ છે, જે દિવસે તેમને ‘અન્યાયપૂર્ણ કેદ’માંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે સમયગાળાને યાદ કરતા તેમણે કહ્યું કે, જ્યારે તેઓ જેલમાં હતા, ત્યારે ઘણીવાર માતાઓ તેમને મળવા આવતી હતી, ક્યારેક તેમને ફટકાર લગાવવા, ક્યારેક સલાહ આપવા અને ઘણી વખત તેમને લડતા રહેવાનું સાહસ આપવા માટે. તેમણે કહ્યું કે, તેમના શબ્દોએ મારી અંદર ક્રાંતિકારી ભાવના જીવંત રાખી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે સિક્કિમના લોકોની એકતા અને દૃઢતાનું સન્માન કરતા દર વર્ષે જન મુક્તિ દિવસ અને અમા સન્માન દિવસ એકસાથે ઉજવવામાં આવશે.

