

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે વાત કરતા દેશના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર OP રાવતનું આ સમગ્ર મામલે મોટું નિવેદન સામે આવ્યું છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ પર લગાવવામાં આવેલા આરોપો અંગે રાવતે કહ્યું છે કે, આ સમયે ચૂંટણી પંચે આ બધા આરોપોની તપાસ કરાવવી જોઈએ. જો હું આ સમયે મારી જૂની ભૂમિકામાં હોત, તો ફરિયાદના તથ્યોની તપાસ કરાવત. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
દેશના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓમ પ્રકાશ રાવતે મત ચોરીના મુદ્દા પર એક TV ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે, જો તેઓ આજે મુખ્ય ચૂંટણી કમિશનરની ભૂમિકામાં હોત, તો રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ પર લગાવવામાં આવેલા આરોપો પર તેમનું શું વલણ હોત? આ પ્રશ્ન પર, OP રાવતે કહ્યું કે, ‘હું સીધી રીતે તથ્યોની તપાસ કરાવત, અને આ જ કરવું પણ જોઈએ. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચ જે નિયમ અંતર્ગત રાહુલ ગાંધીનું સોગંધનામું માગી રહ્યું છે, તે નિયમ આ પ્રકારની ફરિયાદમાં લાગૂ થતો નથી.
કોઈપણ નેતા દ્વારા જે પણ તથ્યો રજૂ કરવામાં આવ્યા હોય, મેં તેમની તપાસ કરાવી હોત અને બધી હકીકત લોકોની સમક્ષ મૂકી હોત, જેથી જનતાને ખાતરી થઈ શકે કે ચૂંટણી પંચને જે પણ ફરિયાદો કરવામાં આવે છે, ચૂંટણી પંચ દરેક ફરિયાદને ગંભીરતાથી લે છે અને તેની કાળજી રાખે છે. તે નિષ્પક્ષ રીતે તેની તપાસ કરે છે અને બધી તથ્યો જનતાની સમક્ષ મૂકે છે.’

રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ પર લગાવવામાં આવેલા આરોપો અંગે, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર OP રાવતે કહ્યું છે કે, ‘તેમણે જે કહ્યું છે તે એ છે કે ડુપ્લિકેટ મતદારો છે. નામ બે-ત્રણ જગ્યાએ લખાયેલા છે. જો આવી કોઈ વાતો કહેવામાં આવી હોય તો, આ સામાન્ય ભૂલો છે, જે જોવાથી ખબર પડે છે. આ જ કારણ છે કે ચૂંટણી પંચે D-ડુપ્લિકેશન સોફ્ટવેર, ફોટો રિકૉગ્નાઈઝેશન સોફ્ટવેર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને મતદાર યાદીની શુદ્ધતા સુનિશ્ચિત કરવાનો પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.’
OP રાવતે એક TV ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘ચૂંટણી પંચની રચના થઈ ત્યારથી, જો આપણે 1950થી આજ સુધીની બધી ઘટનાઓ પર નજર કરીએ, તો ચૂંટણી પંચે હંમેશા મુક્ત, ન્યાયી અને વિશ્વસનીય ચૂંટણીઓ કરાવી છે. જેને તમામ પક્ષોએ સર્વમાન્ય રીતે ‘સ્વીકારી છે. દરેક ચૂંટણી પછી સત્તાનું લોહી વગરનું હસ્તાંતરણ થયું છે.
ક્યારેય કોઈ અન્ય લોકશાહીની જેમ લોહિયાળ જંગ થયો નથી. વિશ્વના સૌથી વિકસિત દેશમાં, રાષ્ટ્રપતિની ચૂંટણી પછી, રાજધાનીને ઘેરી લેવામાં આવી હતી અને હિંસા થઈ હતી. આવી ઘટના અહીં ક્યારેય બની નથી. કોઈ પણ ચૂંટણીમાં આવી ઘટના બની નથી.’ તેમણે કહ્યું કે, મને ખૂબ ગર્વ છે કે, આપણું ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

OP રાવતે જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનરની જવાબદારી સંભાળ્યા પછી, તેમના કાર્યકાળમાં પ્રથમ ચૂંટણી બિહારમાં જ યોજાઈ હતી. તેમનો કાર્યકાળ 2015થી 2018 સુધીનો હતો. આ સમય દરમિયાન તેમણે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવી હતી.
ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર OP રાવતે આઝાદી પછી યોજાયેલી ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘તે સમયે દેશના પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. તે સમયે અંગ્રેજોએ ફક્ત શ્રીમંત અને શિક્ષિત લોકોને જ મતદાનનો અધિકાર આપ્યો હતો. ત્યારપછી 1950માં 4 કરોડની મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી. કાયદો પણ બનાવવામાં આવી રહ્યો હતો અને 1951માં ફરીથી ચૂંટણી યોજાવાની હતી. 17.5 કરોડની મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી.
