

આમ સુરતીઓને મોજીલા કહેવાય છે, પરંતુ આ મોજીલા સુરતીઓના સુરતને હવે કોઈકની નજર લાગી ગઈ હોય તેવું ભાસ થઈ રહ્યું છે. શહેરમાં કાયદા-વ્યવસ્થાને લઈને સવાલો ઊઠે તેવી અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ અસમાજિક તત્વોનું જુલૂસ પણ કાઢે છે છતા તેમને પોલીસનો લેસમાત્ર ભય ન હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. કાયદા-વ્યવસ્થાની લીરેલીરા ઉડાડતી વધુ એક ઘટના પ્રકાશમાં સામે આવી છે.
સુરતમાં 25 કરોડથી વધુના હીરાની ચોરી થઈ હોવાના સમાચાર સામે આવી રહી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં દેશની અત્યાર સુધીની સૌથી મોટી હીરા ચોરીનો કેસ સામે આવ્યો છે. 3 દિવસની જાહેર રજાનો લાભ ઉઠાવીને ચોરોએ આ સુનિયોજિત ચોરીને અંજામ આપ્યો હતો. ચોરોએ ચોથા માળે આવેલી ફેક્ટરીને ટારગેટ કરી હતી. અંદર પ્રવેશવા માટે દરવાજા તોડી નાખ્યા અને કાચ કાઢીને ઓફિસમાં પ્રવેશ હતો. બાદમાં ગેસ કટર વડે 3 લેયરની તિજોરીમાં 12 ઇંચ બાય 10 ઇંચનો હૉલ પાડી અંદરના અહીથી ગેસકટરથી તિજોરી કાપી, રફ હીરા અને રોકડ પર હાથ સાફ કરી ચોર રફુચક્કર થઈ ગયા છે.

સૌથી પહેલા ચોરોએ બહારનું ફાયર એલાર્મ તોડી નાખ્યું, જેથી કટિંગ દરમિયાન કોઈ અવાજ કે ધુમાડાથી એલાર્મ ન વાગે. એટલું જ નહીં CCTV તોડી DVR પણ સાથે લઈ ગયા લઈ ગયા. જેથી તેમના ઓળખના કોઈ પુરાવા ન રહે. રજાઓને કારણે તેને રજા આપવામાં આવી હતી એટલે આ સમગ્ર બિલ્ડિંગમાં છેલ્લા 3 દિવસથી સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો.
પોલીસના જણાવ્યા મુજબ, ચોરીની રીત જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, અંદાજે 25 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હીરા ચોરી થયા છે. આ ઘટનાની માહિતી મળતા DCP, ACP અને FSL ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. નજીકના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ચોરોના સંકેત મળી શકે. ઘટનાસ્થળની આસપાસ મેઇન રોડથી ફેક્ટરી પહોંચવા માટે લગભગ 200 મીટરનો રસ્તો છે, જેમાં વચ્ચે 50 જેટલી દુકાનો અને અન્ય ડાયમંડ ફેક્ટરીઓ આવેલી છે.

પોલીસનું માનવું છે કે આ ફેક્ટરી અંગે ચોરોને અગાઉથી જ બધી જાણકારી હતી. આ કારણે અંદરની જાણકારી આપનાર (ઇનસાઇડર) પણ સંડોવાયેલ હોઈ શકે છે તેવી દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતા ફેલાવી છે. કરોડો રૂપિયાના હીરા એક જ ફેક્ટરીમાંથી ગાયબ થવાથી સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલ ઊભા થયા છે.
આ ઘટના બાદ DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, 3 દિવસથી રજા હોવાથી કોઇ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતા, રજાનો લાભ લઇને તસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ 25 કરોડથી વધુના હીરાની ચોરી કરીને પલાયન થઇ ગયા છે. જે પ્રમાણે ચોરીને અંજામ આપ્યો છે એ પરથી લાગી રહ્યું છે કે આ રીઢા ચોરોએ ચોરીનું કાવતરૂં ઘડ્યું છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખોડિયારનગર પાસે ડાયમંડના ઓક્શનનો વેપાર ચાલે છે, અહીં 15-17 તારીખની વચ્ચે રજા હતી. 15 તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને ત્યારબાદ આજે 18 તારીખે જ્યારે તેમને સવારે કંપનીએ આવ્યા ત્યારે તિજોરીને ગેસકટર મશીનથી કાપીને રફ ડાયમંડ લઇને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
