

રાજ્યમાં વરસાદી માહોલ ફરી સક્રિય બન્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ઝાપટા પડી રહ્યા છે. ઉપરવાસ અને રાજ્યમાં પડેલા વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે અને ડેમોમાંથી પાણી છોડવાની સ્થિતિ ઊભી થઈ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમના જણાવ્યા મુજબ, 23થી 26 ઑગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે થવાની સંભાવના છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 25થી 28 ઑગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરમાંથી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે અસર જોવા મળશે.
લગભગ 28 ઑગસ્ટ સુધી નર્મદા વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થઈ શકે છે અને નર્મદા ડેમની પાણીની આવક વધતાં નદી બે કાંઠે થવાની શક્યતા છે. 28 પછી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેના કારણે તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે.

હવામાન નિષ્ણાતે કહ્યું કે 25થી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. સાથે જ પવનનું જોર પણ રહેશે.
