

ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિને એશિયા કપ 2025 માટે શ્રેયસ ઐય્યર અને યશસ્વી જાયસ્વાલની ભારતીય ટીમમાં પસંદગી ન થવા પર નિરાશા વ્યક્ત કરી છે. ભારતે 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.
શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે અને તેને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ ટીમનો કેપ્ટન રહેશે. IPL 2025માં રનોનો વરસાદ કરનાર શ્રેયસ ઐય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેણે વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

રવિચંદ્રન અશ્વિને શ્રેયસ ઐય્યરને ટીમમાં જગ્યા ન આપવા પર પૂછ્યું છે કે તેની શું ભૂલ છે. પોતાની યુટ્યુબ ચેનલ ‘એશ કી બાત’ પર બોલતા અશ્વિને કહ્યું કે, ‘શ્રેયસ ઐય્યર અને યશસ્વી જાયસ્વાલની આંખોમાં આંસુ છે, તે મુંબઈમાં વરસાદ બનીને પડ્યા છે. સિલેક્શન એક એવું કામ છે જેમાં કોઈ તો બહાર રહેશે જ. જ્યારે તમે તેમની સાથે વાત કરો છો, ત્યારે તમે તેમના ચહેરાઓની નિરાશા અને દુઃખ અનુભવી શકો છો. આશા છે કે કોઈએ શ્રેયસ અને જાયસ્વાલ સાથે વાત કરી હશે.’
અશ્વિને કહ્યું કે, ‘હું શ્રેયસ ઐય્યર અને યશસ્વી જાયસ્વાલ માટે ખૂબ જ દુઃખી છું. આ બંને માટે સારું નથી.’ અશ્વિને શ્રેયસ ઐય્યરને લઈને આગળ કહ્યું કે, ‘તે ટીમમાંથી બહાર ગયો. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવીને શાનદાર બેટિંગ કરી. તેણે તમને જીત અપાવી. જો જવાબ એ છે કે ગિલ શાનદાર ફોર્મમાં છે, તો શ્રેયસ ઐય્યર પણ શાનદાર ફોર્મમાં છે.

જાયસ્વાલે ઓવલમાં મુશ્કેલ પીચ પર બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. તે પણ સારા ફોર્મમાં છે. તમે આનો જવાબ કેવી રીતે આપી શકો? અશ્વિને આગળ કહ્યું કે, ‘શ્રેયસ ઐય્યરનો વાંક શું છે? તેણે KKR સાથે ટ્રોફી જીતી છે. ત્યારબાદ તેણે 2014 બાદ પહેલી વખત પંજાબને IPL ફાઇનલમાં પહોંચાડી. શાનદાર બેટિંગ સાથે. તેણે શોર્ટ બોલની સમસ્યા પર કાબૂ મેળવ્યો. IPLમાં તે કાગીસો રબાડા અને જસપ્રીત બૂમરાહ જેવા બેટ્સમેનોને સરળતાથી હિટ કરી રહ્યો હતો. હું તેના અને યશસ્વી જાયસ્વાલ માટે ખૂબ જ દુઃખી છું.
