

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલની 3 વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે તેમની નિમણૂકને મંજૂરી આપી છે. કેન્યામાં જન્મેલા ભારતીય અર્થશાસ્ત્રી ઉર્જિત પટેલ લગભગ 3 દાયકા બાદ IMFમાં વાપસી કરી રહ્યા છે. આ અગાઉ તેઓ 5 વર્ષ સુધી IMF સાથે જોડાયેલા હતા. તેમણે વોશિંગ્ટન DCમાં શરૂઆત કરી હતી અને પછી 1992માં તેઓ નવી દિલ્હીમાં ડેપ્યુટી રેસિડેન્ટ રિપ્રેઝન્ટેટિવ બન્યા હતા.

ડૉ. પટેલની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ખૂબ જ મજબૂત રહી છે. તેમણે યેલ યુનિવર્સિટીમાંથી P.hdની ડિગ્રી મેળવી, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ કર્યું અને યુનિવર્સિટી ઓફ લંડનમાંથી B.scનો અભ્યાસ કર્યો. સરકાર દ્વારા તેમની નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે વર્તમાન એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર (ભારત) કૃષ્ણમૂર્તિ વી. સુબ્રમણ્યમનો કાર્યકાળ 6 મહિના અગાઉ અણધારી રીતે સમાપ્ત કરવામાં આવ્યો હતો.
ડૉ. પટેલ 2014માં RBIના 24મા ગવર્નર બન્યા હતા અને રઘુરામ રાજનની જગ્યા લીધી હતી. તેઓ એવા પહેલા ગવર્નર હતા જેમણે વ્યક્તિગત કારણોનો સંદર્ભ આપીને ડિસેમ્બર 2018માં રાજીનામું આપી દીધું હતું. તે સમયે RBI અને કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદો સાર્વજનિક રીતે સામે આવ્યા હતા. આ અગાઉ RBIમાં ડેપ્યુટી ગવર્નર તરીકે તેમણે નાણાકીય નીતિ, આર્થિક સંશોધન, ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને આંકડા વ્યવસ્થાપન જેવા વિભાગો સંભાળ્યા હતા.

ઉર્જિત પટેલની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ભારતે IMF બેલઆઉટ કાર્યક્રમ હેઠળ પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાયની આકરી ટીકા કરી છે. ભારતે ચિંતા વ્યક્ત કરી છે કે, ઇસ્લામાબાદ આ ભંડોળનો ઉપયોગ સીમા પાર આતંકવાદ અને યુદ્ધ જેવી ગતિવિધિઓમાં કરી શકે છે. એવામાં IMFમાં ભારતના હિતોને મજબૂત રાખવાના સંદર્ભમાં પટેલની ઉપસ્થિતિ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.