

આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ગરબા આયોજકો માટે ખાસ સૂચનાઓ અને ચેતવણીઓ જારી કરવામાં આવી છે. આ સંગઠનોએ નવરાત્રિને માત્ર એક નૃત્ય ઉત્સવ નહીં, પરંતુ માતાજીની ઉપાસનાનો પવિત્ર પર્વ ગણાવી તેની ગરિમા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે.
બજરંગ દળના ક્ષેત્રીય સંયોજક ભાવેશભાઈ ઠક્કર અને જવલિત મહેતાએ જણાવ્યું હતું કે, ગરબા શુદ્ધ, સાત્વિક અને ધાર્મિક વાતાવરણમાં થવા જોઈએ. આ હેતુથી, આયોજકોએ ગરબા સ્થળના પ્રવેશદ્વાર પર ખેલૈયાઓને હિન્દુ પ્રથા મુજબ તિલક લગાવીને જ પ્રવેશ આપવો અને “વિધર્મીઓને પ્રવેશ નથી” તેવા બોર્ડ કે બેનરો લગાવવા સૂચન કર્યું છે. આ પગલાંનો ઉદ્દેશ્ય ‘લવ જેહાદ’ જેવા ષડયંત્રોને અટકાવવાનો છે.

બજરંગ દળની ચેતવણીઓ અને સૂચનો:
માતાજીની માંડવી: દરેક આયોજકે પોતાના પંડાલમાં વિધિ-વિધાનથી માતાજીની માંડવીની સ્થાપના કરવી.
અશ્લીલ ગીતો પર પ્રતિબંધ: ગરબાના કલાકારોએ મંચ પરથી કોઈ પણ પ્રકારના અશ્લીલ, અભદ્ર, કે હિન્દુ ધર્મનું અપમાન કરતા ગીતો કે સંવાદો રજૂ કરવા નહીં.
સનાતની કર્મચારીઓ: સિક્યોરિટી, બાઉન્સર, પાર્કિંગ વ્યવસ્થા, અને અન્ય તમામ સેવાઓમાં ફક્ત હિન્દુ લોકોને જ ફરજ પર રાખવા.
ખાણી-પીણીના સ્ટોલ: ફૂડ સ્ટોલ ફક્ત સનાતની હિન્દુઓને જ આપવા. જો કોઈ પણ સ્ટોલ પર અન્ય ધર્મના લોકો જણાશે તો બજરંગ દળ પોતાની રીતે કાર્યવાહી કરશે.
હોટેલ અને ગેસ્ટ હાઉસ માટે ચેતવણી: બજરંગ દળે હોટેલ અને ગેસ્ટ હાઉસના માલિકોને ચેતવણી આપી છે કે નવરાત્રિ દરમિયાન અન્ય ધર્મના યુવકો સાથે હિન્દુ યુવતીઓને રૂમ આપવા નહીં. જો આવું કરતા કોઈ મળી આવશે તો તેમણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

ધર્મની રક્ષા માટે કડક કાર્યવાહીની ચીમકી
બજરંગ દળે ચેતવણી આપી છે કે, નવરાત્રિ દરમિયાન તેઓ કોઈપણ સમયે પાર્ટી પ્લોટ કે ગરબાના સ્થળની મુલાકાત લઈ તપાસ કરશે. જો ત્યાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોઈ ‘વિધર્મી’ જણાશે તો બજરંગ દળ ધર્મની રક્ષા માટે પોતાની આગવી ભાષામાં સબક શીખવાડશે. આ પગલાંનો મુખ્ય હેતુ ગરબાના પર્વની પવિત્રતા અને સુરક્ષા જાળવી રાખવાનો હોવાનું સંગઠને જણાવ્યું છે.