

ગુજરાતમાં નવરાત્રિ પહેલાં હવામાન વિભાગે ખેલૈયાઓ માટે ચિંતાજનક આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને 23 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાનાર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં ભારે વરસાદી માહોલ બની શકે છે. જો આગાહી સાચી સાબિત થશે તો નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે અને ખેલૈયાઓને છત્રી-રેઈનકોટ સાથે ગરબા રમવાની ફરજ પડી શકે છે.

1થી 7 સપ્ટેમ્બર: ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ વધશે એવી આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3 સપ્ટેમ્બરથી ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે. અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને બંગાળની ખાડીમાં સક્રિય થનારી લો પ્રેશર સિસ્ટમને કારણે આ પરિસ્થિતિ સર્જાશે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

આજે સવારના 6થી 12 વાગ્યા દરમિયાન રાજ્યના 43 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દાહોદના ઝાલોદમાં સૌથી વધુ 1.34 ઈંચ જ્યારે વલસાડના વાપીમાં સૌથી ઓછો 1 મિમી વરસાદ પડ્યો છે. હજી સુધી ગુજરાતમાં કુલ સરેરાશ 32 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે.
સપ્ટેમ્બરમાં 109% વરસાદની શક્યતા
IMD મુજબ, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. 2 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં નવી લો-પ્રેશર સિસ્ટમ વિકસવાની શક્યતા છે, જેના કારણે શરૂઆતના દિવસોમાં વરસાદી માહોલ રહેશે. 8થી 22 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ ઘટી જશે, પરંતુ 23થી 30 સપ્ટેમ્બર દરમિયાન ફરી ભારે વરસાદ પડવાની સંભાવના છે.
નવરાત્રિમાં વરસાદી માહોલ
આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. જો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ વરસશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે. તેથી ખેલૈયાઓએ વરસાદને ધ્યાનમાં રાખીને તૈયારી સાથે ગરબા રમવા જવું પડશે.
